મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચૂંટણી તો આવશે અને જશે, મત ભેદો થશે પરંતુ...., જાણો નરેશ પટેલે શું કહ્યું?

ગુજરાતના પાટીદાર સમાજના આધ્યાત્મિક કેન્દ્ર ખોડલધામમાં નવરાત્રિની ઉજવણીની ભાવના સાથે કાગવડ ગા

ગુજરાતના પાટીદાર સમાજના આધ્યાત્મિક કેન્દ્ર ખોડલધામમાં નવરાત્રિની ઉજવણીની ભાવના સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પ્રથમ નવરાત્રિની પદયાત્રા યોજાઈ. દર વર્ષે પ્રથમ નવરાત્રિના પ્રસંગે આયોજિત આ પદયાત્રામાં આ વખતે પણ અસંખ્ય ભક્તો અને સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલની આગેવાની હેઠળ આયોજિત આ પદયાત્રામાં ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ તથા વિવિધ રાજકીય વ્યક્તિઓએ પણ ભાગ લીધો, જેનાથી સમાજમાં એકતા અને ભક્તિનું અનોખું સંગમ જોવા મળ્યું.

પદયાત્રા કાગવડથી શરૂ થઈને ખોડલધામ મંદિર પહોંચી, જ્યાં પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ અને અન્ય ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રશાંત કોરાટ, ભરત સુતરિયા, કૌશિક વેકરીયા, જેની ઠુમર, પરેશ ધાનાણી, અરવિંદ રૈયાણી, મહેશ કાસવાળા, લલિત વસોયા, રમેશ ટીલાળા, ગોપાલ ઇટાલિયા, ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતાઓએ ભાગ લીધો. લેઉવા પાટીદાર સમાજના હજારો લોકોએ આ પદયાત્રામાં ભાગ લઈને મંદિરમાં માતાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. પદયાત્રા પૂર્ણ થયા બાદ ખોડલધામ પરિસરમાં એક સભા યોજાઈ, જેમાં અગ્રણીઓએ સમાજના વિકાસ અને એકતા વિશે વિચારો વ્યક્ત કર્યા.

નરેશ પટેલનું નિવેદન: 'આ મંચ પર રાજકારણને ક્યારેય જગ્યા નથી'

સભામાં ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે પ્રેરણાદાયી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "ખોડલધામના આ પવિત્ર મંચ પર રાજકારણ કરવાનું નથી. અમારે અહીં ભાઇચારાના વ્યવહારને જાળવી રાખવાનો છે.  આ મંચ પર રાજકારણને ક્યારેય આવવા દેવાનું નથી." તેમણે સમાજના સભ્યોને અપીલ કરી કે, "ચૂંટણીઓ તો આવશે અને જશે, મતભેદો થશે, પરંતુ મનભેદો ક્યારેય ન થવા જોઈએ. આપણે એકતા જાળવી રાખવાની છે."

નરેશ પટેલે આગળ કહ્યું કે, ૨૦૧૭ પછી સમાજે મોટા કાર્યક્રમોનું આયોજન નથી કર્યું. "૨૦૨૭માં અમે દશાબ્દી મહોત્સવનું આયોજન કરીશું, જે 3થી 5 દિવસ સુધી ચાલશે. આવા કાર્યક્રમોમાં બધા સભ્યોએ પોતાના વિચારો રજૂ કરવા જોઈએ, જેથી સમાજનો વિકાસ થઈ શકે.

આ સમાચાર શેર કરો