Video/ થરાદ પંથકમાં દાદાગીરી: યુવતીના અપહરણના આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ
થરાદ: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ પંથકમાં ફરી એકવાર કાયદ
થરાદ: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ પંથકમાં ફરી એકવાર કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં હથિયારધારી શખ્સો એક યુવતીનું અપહરણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ વીડિયોએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે.
હથિયારો સાથે ઘરમાં ઘૂસી હુમલો
વાયરલ થયેલા વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ, કેટલાક શખ્સો હથિયારો સાથે એક ઘરમાં ઘૂસી આવ્યા હતા. આ શખ્સોએ ઘરમાં રહેલા યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો અને યુવતીને બળજબરીથી ઘરની બહાર ખેંચી કાઢી હતી. વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હુમલો કરનાર શખ્સો યુવતીના પરિવારના જ સભ્યો હતા, જેમણે બંનેને બળજબરીથી ગાડીમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
અપહરણના આક્ષેપથી ફફડાટ
સરહદી વિસ્તારમાં ધોળા દિવસે હથિયારો સાથે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. વીડિયોમાં દેખાતી હથિયારોની હાજરી અને યુવતીની આક્રંદભરી સ્થિતિ જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને લોકો પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
GSTV પુષ્ટિ કરતું નથી
જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો કયા ગામનો છે અને ક્યારનો છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.GSTV આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે બાદ જ હકીકત સામે આવશે.












