VIDEO: શહેરામાં ન.પાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતની ૬૩ માંથી ૩૫ બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી
આગામી ૨૬મી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પ
આગામી ૨૬મી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પણ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ યોજનાર છે,ત્યારે ગત રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું,જેમાં શહેરા તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પર ભરાયેલા ૯૨ ફોર્મમાંથી ૨૯ ફોર્મ અમાન્ય અને ૧૪ ફોર્મ ખેંચાવાના કારણે તાલુકા પંચાયતની ૧૪ બેઠકો બિનહરીફ થઈ હતી,જ્યારે જિલ્લા પંચાયતની ૭ બેઠકો પણ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ૨૯ ફોર્મમાંથી ૧૦ અમાન્ય અને ૬ ફોર્મ પાછા ખેંચાતા જિલ્લા પંચાયતની ચાર બેઠકો પણ બિનહરીફ જાહેર થઈ હતી,આ ઉપરાંત શહેરા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભરાયેલ ૭૯ ફોર્મમાંથી ૩૭ ફોર્મ ચુંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ રદ્દ ઠેરવ્યા હતા.
જ્યારે ફોર્મ ખેંચવાના દિવસે બે ફોર્મ પરત ખેંચાતા ૨૮ માંથી ૧૭ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. એક તરફ શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થાય તે પહેલાં જ ભાજપે ૬૩ માંથી એકસાથે ૩૫ બેઠકો પર એટલે કે અડધી ઉપર બેઠકો કબ્જે કરી ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે,સાથે સામે પક્ષોને મોટો ઝટકો આપ્યો છે,અને ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવાની સાથે મતદાન પહેલા જ ભાજપની પ્રચંડ જીત થતાં ભાજપના ઉમેદવારો અને તેમના સમર્થકો સહિત કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
જેને લઈને સમર્થકો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ડીજે વગાડીને વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવીને જીતની ઉજવણી કરી હતી,તો બીજી તરફ હવે બાકી રહેલી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો, તાલુકા પંચાયતની ૧૪ બેઠકો અને નગરપાલિકાની ૧૧ બેઠકો મળી કુલ ૨૮ બેઠકો પર મતદારોને મતદાન કરવાનો મોકો મળશે,જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સાથે અપક્ષના મળી કુલ ૬૭ ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મોટાભાગની બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે,જ્યારે ૧૪ પૈકી વાડી તાલુકા બેઠક માત્ર એક જ એવી બેઠક હશે કે જ્યાં ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય ચુંટણી જંગ જામશે.
શહેરામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભુરખલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે જ્યારે પાદરડી, બોરીયા અને ધાંધલપુર બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી સાથે સીધો ચુંટણી જામશે,તો શહેરા નગરપાલિકાના વોર્ડ નં.૨ માં ભાજપ અને આપ નો ઉમેદવાર જ મેદાનમાં છે,જ્યારે વોર્ડ નં.૩ ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષ ઉમેદવારે પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હોવાથી તેમાં પણ રસાકસી રહેવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.












