Video/ બારડોલીમાં મોટી દુર્ઘટના: JCB થી ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં ફફડાટ
સુરત જિલ્લાના બારડોલીમાં ભયાનક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. શાસ્ત્રી ર
સુરત જિલ્લાના બારડોલીમાં ભયાનક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. શાસ્ત્રી રોડ પર આવેલ સંદીપ પાર્ક પાસે જાહેર માર્ગ પર ગેસની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, બારડોલીના શાસ્ત્રી રોડ પર પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જેસીબી (JCB) મશીન અચાનક મુખ્ય ગેસ લાઈન સાથે અથડાયું હતું. જેસીબીની ટક્કરને કારણે ગેસ લાઈન તૂટી ગઈ હતી અને ગેસ લીકેજ થતાં જ જોતજોતામાં ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી.
ફાયર વિભાગની કામગીરી
આગની જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી. બારડોલી ફાયર ફાઈટરો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે ગેસની મુખ્ય લાઈન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.
ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
હાલની સ્થિતિ
સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ જાહેર માર્ગ પર આગ લાગવાને કારણે વાહન વ્યવહાર અને સ્થાનિક લોકોના જનજીવન પર માઠી અસર પડી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
















