Sabarkantha: હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં ફરી હોબાળો, ઘૂંટણના ઓપરેશન બાદ દર્દીનું મોત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના ડોક્ટરોને આડે હાથ લીધા હતા. મળતી માહિતી મુજબ, કપોડા ગામના 62 વર્ષીય ડાહ્યાભાઈ પટેલને ઘૂંટણના ઓપરેશન માટે આવિષ્કાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ તેમનું મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની સારવાર અને સુવિધાઓ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા.
હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક પોલીસ બોલાવી પડી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા અને પરિવારજનોને શાંત પાડ્યા હતા.
પરિવારજનોએ હોસ્પિટલના વહીવટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને મૃતક ડાહ્યાભાઈના મોત માટે જવાબદાર ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











