મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad: અધૂરી ગ્રાન્ટથી બનેલ અધૂરો પુલ, બોટાદના ભીમડાદમાં ખેડૂતોની વધી મુશ્કેલી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ નજીક ખાખરીયો નદી પર બ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ નજીક ખાખરીયો નદી પર બનેલો પુલ માત્ર ચાર મહિનામાં ધોવાઈ ગયો છે.  આ પુલ ભીમડાદથી મોટા સખપર, ગાળા, સાળંગપરડા, મેઘવડિયા, ગોરડકા જેવા ગામોને જોડતો હતો. માત્ર ચાર મહિનામાં પુલનો સ્લેબ તૂટી ગયો છે. રોજ આશરે  400 જેટલા ખેડૂતો રોજ આ રસ્તે પોતાના ખેતરોમાં જાય છે. પરંતુ, અધૂરા બાંધકામને કારણે પુલનો સ્લેબ તૂટી ગયો અને બંને છેડા પાણીમાં ધોવાઈ ગયા. ખેડૂતોએ પોતાના ખર્ચે બે વખત માટી નાખી પુલનું સમારકામ કર્યું, પરંતુ ભારે વરસાદમાં માટી વહી જતાં મુશ્કેલી યથાવત છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક મજબૂત પુલ બનાવવા માંગવામાં આવી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામથી મોટા સખપર,ગાળા, સાળંગપરડા, મેઘવડિયા, ગોરડકા સહિતના ગામોના ખેડૂતોની જમીન મોટા ભાગે નદીના સામે છેડે આવેલી છે. ૪૦૦ જેટલા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતીકામ અર્થે વારંવાર જતા હોય છે અને એટલે જ નદી પર પુલ બનાવવા માંગ કરી હતી, માંગણી મુજબ આ પુલ બન્યો તો ખરો પરંતુ અધુરો બન્યો છે. નદીના બન્ને કિનારા સુધી પુલ લંબાવવા માં નહીં આવતા છેડાનો ભાગ તૂટી ગયો હોવાનું લોકો કહી રહ્યા છે. બે વાર ખેડૂતો એ એકઠા થઈ માટી નાખી, પુલના બંને છેડા રીપેર કર્યા હતા. પરંતુ બોટાદ જિલ્લામાં ભારે વરસાદમાં માટી તણાઈ જવાથી મુશ્કેલી યથાવત રહી છે.

મજબૂત પુલ બનાવવા માંગ 

ભીમડાદની ખાખરીયો નદી માં ચોમાસામાં ભારે વરસાદને કારણે ધસમસતા વરસાદી પાણીમાં પુલ ઉપરથી પાણી પસાર થતાં હોય છે ત્યારે બન્ને કિનારા પર નાખવામાં આવેલ માટી પાણીમાં વહી જાય. લોકો માંગ કરી રહ્યાં છે કે પુલ વધુ પચ્ચીસ મીટર જેટલો લંબાવી નદીના બન્ને કિનારા ને જોડી મજબૂત પુલ બનાવવામાં આવે. હાલ પુલના અધૂરા કામે ખેડૂતો રાહદારીઓ વાહન ચાલકો મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

પુલની કામગીરી અને એસ્ટીમેટ અંગે જાણકારી આપતા કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પુલ ડિપોઝિટ વર્કની ગ્રાંટમાંથી અંદાજિત 15 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ગ્રાંટના અભાવે પુલના છેડાનું મજબુત કામ થયું ન હતું અને માટી નાખવામાં આવી હતી, બીજી તરફ આ વર્ષે બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ ને કારણે નદીમાં વધારે પાણી પ્રવાહના કારણે પુલના છેડા ધોવાઈ ગયા હતા ત્યારે હાલતો કામ ચલાઉ રીપેરીંગ કરાવામાં આવ્યું છે. અને વાહનોની અવર જવર થઈ શકે તેવી સ્થિતિ છે.

આ સમાચાર શેર કરો