VIDEO: જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ, વંથલી-કેશોદમાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો
જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વંથલી-કેશો
જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વંથલી-કેશોદમાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
જૂનાગઢના મેંદરડામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માનવીની સાથે સાથે પશુઓ પણ આવા અનરાધાર વરસાદને કારણે તકલીફમાં મૂકાયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
ત્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને કેશોદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વંથલીમાં પણ છ કલાકના ગાળામાં 9.80 તો કેશોદમાં પણ 9.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
જળાશયોમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.








