Video: દાહોદમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા; પિતાનો આત્મા લેવા પુત્ર હોસ્પિટલ પહોંચ્યો, ભુવો જાહેરમાં ધુણતાં લોકોમાં કુતૂહલ
એક તરફ દુનિયા ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં આગળ વધી રહી છે, ત્યારે આજે પણ અંધ
એક તરફ દુનિયા ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં આગળ વધી રહી છે, ત્યારે આજે પણ અંધશ્રદ્ધાના કિસ્સા જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટેલા પિતાની આત્માને લેવા પુત્ર સહિતનો પરિવાર દાહોદના સ્ટેશન રોડ પર ખાનગી હોસ્પિટલ પર ભુવા સાથે પહોંચ્યો હતો.
જાહેરમાં ભુવો ધુણતા લોકોમાં કુતુહુલ
દાહોદ નજીક આવેલા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ ગામડનું ગત 7 જુલાઈના રોજ બાઈક પર જતા સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત કોમલસિંહને તાત્કાલિક દાહોદના સ્ટેશન રોડ પર આવેલા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. તેમની અંતિમવિધિ પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ હોસ્પિટલમાં કોમલસિંહનો આત્મા ભટકે છે તેમ માની મૃતકનો પરિવાર આત્મા લેવા દાહોદ પહોંચ્યું હતું. હોસ્પિટલ ખાતે ભુવા સાથે પરિવારના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ભુવો ધૂણી રહ્યો હતો. હોસ્પિટલની બહાર જાહેરમાં ભુવો ધુણતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
હોસ્પિટલ બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા
આત્મા દવાખાનામાં ભટકતી હોવાની દૃઢ માન્યતા સાથે તેના સ્વજનો એક તાંત્રિક ભૂવાને લઈને ખુલ્લેઆમ વિધિ કરતાં અંધશ્રદ્ધાનો વરવો નમૂનો જોવાયો હતો. અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા તો ત્યારે દેખાઈ જ્યારે વિધિના ભાગરૂપે હોસ્પિટલ બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ભૂવાએ ધૂણતા ધૂણતા જ એક સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાનો ડોળ કર્યો હતો. આ ઘટના જોઈ આસપાસના લોકો ચોકી ઉઠ્યા હતા.












