રાજ્યમાં જુદા-જુદા સ્થળોએ પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે કરાઈ ઉજવણી, વાવ થરાદમાં રાજ્યપાલ-મુખ્યમંત્રીએ ફરકાવ્યો તિરંગો
રાજ્ય સહિત દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે
રાજ્ય સહિત દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે શાળાઓથી લઈ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન સાથે વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠયા હતા. સૌ કોઈએ આ પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી. રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ ગુજરાત સહિત અંતરિયાળ વિસ્તારોમાં ગણતંત્ર દિવસ ઉજવાયો હતો. રાજ્યના જુદા-જુદા સ્થળોએ કરાયેલી ઉજવણી નીચે મુજબ છે:
વાવ થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૌત્ર સાથે પ્રજાસત્તાકની ઉજવણી કરી હતી. મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યો માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો છે. પરંતુ સાંપ્રત સમયમાં લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને દેશના નાગરિકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે.
યાત્રાધામ ડાકોરના ભવન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજે ખેડા જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણ સોલંકીએ આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરી શિસ્તબદ્ધ માર્ચ પાસની સલામી ઝીલી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ અને જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી દાહોદના કારઠ મુકામે કરવામાં આવી હતી. રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ અવસરે પોલીસ જવાનો દ્વારા આકર્ષક પરેડ અને માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા ખાતે નાયબ કલેકટર ભવદીપસિંહ જાડેજાના અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેકટર ભવદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરી હતી. આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓ અંગે ટેબ્લો થકી લોકો સુધી જનજાગૃતિના સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ ટીમ દ્વારા પરેડ યોજવામાં આવી હતી.















