મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે રવિવારનો દિવસ અત્યં

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે રવિવારનો દિવસ અત્યંત કરુણ સાબિત થયો છે. બાખલવડ ગામ નજીક આવેલા આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબી જવાથી પીડાદાયક મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

સાયકલ અને કપડાં પરથી ન્હાવા પડ્યા હોય તેવો અંદાજો આવ્યો

રવિવારની રજા હોવાથી આ ચારેય મિત્રો મોજ-મસ્તી કરવા માટે સાયકલ લઈને ન્હાવા માટે તળાવે પહોંચ્યા હતા. જો કે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા ચારેય કિશોરો ડૂબી ગયા હતા. તળાવના કિનારે પડેલી સાયકલ અને કપડાં જોઈને જ્યારે પરિવારજનોને ઘટનાની જાણ થઈ, ત્યારે તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. 

ડૂબ્યાં બાદ ચારેય કિશોરો મૃત હાલતમાં મળી આવ્યા

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ ભારે જહેમત બાદ ચોથો કિશોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રામુ ભાયા રાઠોડ (14 વર્ષ), કાળુ ભરત રાઠોડ (10 વર્ષ), રાજવીર સામત રાઠોડ (15 વર્ષ) અને કિશન મનસુખ રાઠોડ (15 વર્ષ)નો સમાવેશ થાય છે.

પરિવારજનો પર આભ તૂટી પડ્યું

પોલીસ દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર આશાસ્પદ બાળકોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને ગામ તેમજ પંથકમાં શોક સાથે સન્નાટો વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો