VIDEO: લદ્દાખમાં તમામ પ્રદર્શન પર રોક, લેહમાં GEN-Zના હિંસક પ્રદર્શન બાદ કેન્દ્ર સરકારે જાહેર કર્યો આદેશ
લદ્દાખના લેહમાં હિંસક પ્રદર્શન બાદ તંત્રએ કલમ 163 લાગુ કરતા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો
લદ્દાખના લેહમાં હિંસક પ્રદર્શન બાદ તંત્રએ કલમ 163 લાગુ કરતા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે. સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી વગર કોઇ પણ જુલૂસ, રેલી, માર્ચ કે સાર્વજનિક સભા નહીં કાઢી શકે. આ સિવાય વાહન અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શું છે ઘટના?
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવાની માંગને લઇને પર્યાવરણવિદ સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર છે.સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વચ્ચે પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. CRPFની ગાડી પણ ફૂંકી મારી હતી, આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભાજપની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેને સળગાવી દીધી હતી.
પ્રદર્શનકારીઓએ કેટલાક વાહનોમાં આગ લગાવી હતી. સાથે જ અન્ય સાર્વજનિક સંપત્તિઓને પણ ફૂંકી મારી હતી. પોલીસે એક તરફ ભીડને કાબુમાં લેવા માટે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ
સોનમ વાંગચુકની આગેવાનીમાં લદ્દાખની એપેક્સ બોડી લદ્દાખ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. આજે લદ્દાખ બંધ વચ્ચે મોટી સંખ્યામાં લોકો લેહમાં ભેગા થયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે પાંચ ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીર એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા જ્યારે લેહ અને કારગિલને મળીને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. હવે આ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે.
સોનમ વાંગચુકની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ મુકી ચાર માંગ
લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવામાં આવે.
લદ્દાખમાં બે લોકસભા બેઠકોની માંગ કરવામાં આવી છે.
લદ્દાખની જનજાતિઓને આદિવાસીનો દરજ્જો.








