Video: દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: અભિજિત દીપકે બાદ AISA નેતા નેહા બોરાની પણ અટકાયત, કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું!

દિલ્હીના કનોટ પ્લેસમાં CJP દ્વારા આયોજિત 'તિરંગા માર્ચ' પૂર્વે મોટો ડ્રામા સર્જાયો છે, જ્યાં વિસ્તારમાં કલમ 163 લાગુ હોવાનું જણાવી દિલ્હી પોલીસે પાર્ટી પ્રમુખ અભિજિત દીપકેની સાવચેતીના ભાગરૂપે અટકાયત કરી લીધી છે. બીજી તરફ પોલીસે પરવાનગી વગર પ્રદર્શન ન કરવા અને ફ્લેગ કોડનું ચુસ્ત પાલન કરવાની સ્પષ્ટ ચેતવણી આપવા છતાં પક્ષે માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
નેહા બોરાની પણ અટકાયત
દિલ્હીમાં તિરંગા માર્ચને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની અટકાયત બાદ હવે પોલીસે મંડી હાઉસ ખાતેથી AISA નેતા નેહા બોરાની પણ અટકાયત (ડિટેન) કરી લીધી છે.
અટકાયત છતાં સીજેપી દ્વારા તિરંગા માર્ચ ચાલુ રાખવાની જાહેરાત
અભિજિતની અટકાયત અને પોલીસ નોટિસ છતાં તેમની પાર્ટી સીજેપીએ તિરંગા માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પક્ષે સમર્થકોને અપીલ કરી છે કે તેઓ 5 કરતાં ઓછા લોકોના જૂથમાં કનોટ પ્લેસ પહોંચે, રાષ્ટ્રધ્વજ સાથે તસવીર ખેંચાવે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રવાના થઈ જાય. પક્ષે સોશિયલ મીડિયા પર #LeharaDoTiranga હેશટેગ સાથે સંદેશ આપ્યો હતો કે દેશનો તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી.
પોલીસકર્મીઓની અંગત વિગતો શેર કરનારા યુઝર્સોને કાનૂની ચેતવણી
દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને PRO રાજીવ રંજને એમ પણ કહ્યું કે, કોઈ પોલીસ અધિકારી કે અન્ય કોઈપણ વ્યક્તિની ખાનગી વિગતો સોશિયલ મીડિયા પર જાહેર કરવી એ ગોપનીયતાનો સીધો ભંગ છે. તેમણે નોંધ્યું કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફરજ પર તૈનાત પોલીસકર્મીઓના ફોટો કે વીડિયો તેમની અંગત માહિતી સાથે વાયરલ કરી રહ્યા છે, જે સંપૂર્ણપણે અયોગ્ય અને ગેરકાનૂની છે.
દિલ્હી પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા અને ફ્લેગ કોડ અંગે સ્પષ્ટતા
દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર અને PRO રાજીવ રંજને જણાવ્યું હતું કે, આ મામલે કોઈ પણ વ્યક્તિ તેમને મળવા આવ્યું નથી કે ન તો કોઈ ચોક્કસ યાદી બાબતે કોઈ માહિતી અથવા વિનંતી મળી છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રધ્વજ લહેરાવવાના નિયમો 'ફ્લેગ કોડ'માં સ્પષ્ટ આપવામાં આવ્યા છે અને દરેક નાગરિકે તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. પોલીસે આ અંગે સોશિયલ મીડિયા પર પણ જરૂરી માહિતી જાહેર કરી છે.








