Video: 'લહેરા દો તિરંગા' પ્રદર્શન પહેલાં જ CJP સંસ્થાપક અભિજીત દીપકેની અટકાયત, કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું! દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા!

દેશની રાજધાની દિલ્હીના હૃદય સમાન કનોટ પ્લેસ (Connaught Place) ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં જ મોટો રાજકીય અને વહીવટી ખળભળાટ મચી ગયો છે. સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) દ્વારા આજે સેન્ટ્રલ પાર્ક ખાતે ‘લહેરા દો તિરંગા’ આંદોલનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને CJPના સંસ્થાપક અભિજીત દીપકેની અટકાયત કરી લીધી છે.
કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ
રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા કનોટ પ્લેસ વિસ્તારમાં તાત્કાલિક અસરથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. આ નિયંત્રણો હેઠળ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર મેળાવડા કે પરવાનગી વગરના પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
NDMC એ ન આપી મંજૂરી
મળતી માહિતી મુજબ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા આ વિસ્તારમાં ‘તિરંગા યાત્રા’ કે કોઈ જાહેર સભા માટે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી આપવામાં આવી નહોતી. પરવાનગીના અભાવે તેમજ સંવેદનશીલ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ કડક વલણ અપનાવ્યું હતું.
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અભિજીત દીપકેની અટકાયત બાદ કનોટ પ્લેસ અને સેન્ટ્રલ પાર્કની આસપાસ પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ભારે કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકોની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે અને સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેરિકેડ્સ ગોઠવી દેવાયા છે. CJP સંસ્થાપકની અટકાયતના પગલે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે અને દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.






