દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓના રડાર પર 500થી વધુ લોકો, પાકિસ્તાન સહિત 3-4 વિદેશી હેન્ડલ્સની તપાસ

દિલ્હીમાં વારંવાર યોજાતા વિરોધ પ્રદર્શનો, માર્ચ દરમિયાન હિંસા, તોડફોડ અને દેશની છબી ખરાબ થવાની ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. દિલ્હી પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓએ 500થી વધુ વ્યક્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સહિત વિદેશમાંથી સંચાલિત થતાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને નવી દિલ્હીના અનેક વિસ્તારો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
500થી વધુ લોકો પર નજર, 100 સ્વતંત્ર પત્રકારોની પણ દેખરેખ
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શનો અને લોકોને એકત્ર કરવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 500 લોકોની ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની મુખ્ય ટીમના સભ્યો, સમર્થકો અને સંગઠન સાથે જોડાયેલા અન્ય લોકોનો સમાવેશ થાય છે. તેમાં ઘરેલુ કામદારો, ડ્રાઇવરો અને અન્ય કર્મચારીઓ પણ સામેલ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, પોતાને સ્વતંત્ર પત્રકાર ગણાવતા ઓછામાં ઓછા 100 લોકોની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ આ સમગ્ર મામલે સક્રિય રીતે કામ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર પોલીસની સક્રિયતા વધી
જુલાઈમાં CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને નકારાત્મક રીતે રજૂ કરવાના પ્રયાસો થયા હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. આ અનુભવને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના જનસંપર્ક વિભાગે સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા વધારી છે.
પોલીસનું પરસેપ્શન મેનેજમેન્ટ વિંગ કથિત સાયબર વૉરફેર અને ભ્રામક માહિતીનો સામનો કરવા માટે કામ કરી રહ્યું છે. પોલીસ દ્વારા અગાઉ પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીને કેટલો પ્રતિસાદ મળ્યો તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેટા, એક્સ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે મળીને કન્ટેન્ટની પહોંચ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.
દિલ્હી પોલીસના સત્તાવાર એક્સ હેન્ડલ પર એવા વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા પોલીસકર્મીઓ, ફાટેલી વર્દી અને પોલીસ તથા પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી ધક્કામુક્કીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.
પાકિસ્તાનથી ચાલતા હેન્ડલ્સની તપાસ
દિલ્હી પોલીસની IFSO યુનિટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ ભારતીય હોવાનો દેખાવ કરીને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાંથી ચલાવવામાં આવતા હોવાની શંકા છે. આવા હેન્ડલ્સ દ્વારા દેશનું વાતાવરણ બગાડે તેવી ખોટી અને ભ્રામક પોસ્ટ્સ મૂકવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસે અનુજશ્રી તિવારીના નામે ચાલતા હેન્ડલને પાકિસ્તાનથી સંચાલિત થતું હોવાનું સ્પષ્ટ થયું હોવાનો દાવો કર્યો છે. દિશા સહિત અન્ય ત્રણથી ચાર હેન્ડલ્સની પણ તપાસ ચાલી રહી છે અને આ મામલે ગૂગલ પાસેથી માહિતી માગવામાં આવી છે.
આમ, દિલ્હીમાં પ્રદર્શનો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી કથિત ભ્રામક માહિતીને રોકવા માટે પણ સુરક્ષા એજન્સીઓએ દેખરેખ વધારી છે.








