મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં CJP તિરંગા માર્ચ યોજે એ પહેલા જ અડધી રાતે NSUI ના મોટાપાયે દેખાવ

દિલ્હીમાં CJP તિરંગા માર્ચ યોજે એ પહેલા જ અડધી રાતે NSUI ના મોટાપાયે દેખાવ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત 'તિરંગા માર્ચ' પહેલા ગુરુવારે મોડી રાત્રે રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. કનોટ પ્લેસમાં યોજાનાર 'લહેરા દો તિરંગા' માર્ચને લઈને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા અને સખ્તી વધારી દેવામાં આવી છે. આ દરમિયાન મોડી રાત્રે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર NSUIના કાર્યકરોએ મહિલા સભ્યો સાથે કથિત મારપીટના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન NSUIના અધ્યક્ષ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

NSUIના જણાવ્યા અનુસાર, તેમના કાર્યકરો દિલ્હી પોલીસની એક મહિલા અધિકારી સામે મહિલા સભ્યો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવવા માંગતા હતા. સંગઠનનો દાવો છે કે બુધવારે એડિશનલ ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી ન હતી, જેના કારણે તેઓ મજબૂર થઈને પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. NSUIનો સીધો આરોપ છે કે પોલીસે ફરિયાદ સ્વીકારવાને બદલે ઊલટાનું પ્રદર્શનકારીઓ સામે જ દમનકારી કાર્યવાહી કરી હતી.

મહિલા કાર્યકરો પર અત્યાચારનો ગંભીર આરોપ

NSUIના અધ્યક્ષ વિનોદ જાખડે આરોપ લગાવ્યો કે પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી અને કેટલીક મહિલાઓને અંધારા રૂમમાં લઈ જઈને બૂટ અને સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણી મહિલા કાર્યકરો માટે ન્યાય માંગવો એ કોઈ અપરાધ છે? સંગઠન માત્ર એફઆઈઆર નોંધાવવા માટે આવ્યું હતું, પરંતુ પોલીસ અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા.સંગઠનના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રવિ પાંડેએ પણ અટકાયતની સખત નિંદા કરી છે અને તાત્કાલિક એફઆઈઆર તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. NSUIએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

સીજેપી (CJP) ના તિરંગા માર્ચને લઈને તંત્ર એલર્ટ પર

બીજી બાજુ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ લોકોથી આજે સાંજે ૫ વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે તિરંગો લઈને પહોંચવા માટે અપીલ કરી છે. આ માર્ચ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ અને મતદાર યાદીના વિશેષ ઘનિષ્ઠ પુનઃનિરીક્ષણ (SIR) માં કથિત અનિયમિતતાઓના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધો લાગુ હોવાનું જણાવીને લોકોને આ માર્ચથી દૂર રહેવા અપીલ કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધો અમલમાં છે. એનડીએમસી (NDMC) દ્વારા પણ વહીવટી કારણોસર 16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

અભિજીત દીપકેએ ગુરુવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પોલીસ તેમને રાત્રે અથવા આજે સવારે ગમે ત્યારે અટકાયતમાં લઈ શકે છે, પરંતુ તેઓ તિરંગો લહેરાવવા માટે જેલ જવા પણ તૈયાર છે. તેમનો આરોપ છે કે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સતત તેમના પર નજર રાખી રહી છે. તેમની મુખ્ય માંગ માત્ર જ્ઞાનેશ કુમારની જગ્યાએ કોઈ નિષ્પક્ષ વ્યક્તિની નિયુક્તિ કરવાની છે, સરકાર બદલવાની નથી. તેમણે પોતાના સહયોગીઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ સમાચાર શેર કરો