દિલ્હીમાં મોટો ભડકો! INDIA ગઠબંધનની માર્ચ પર પોલીસનો સપાટો: 4 FIR દાખલ

દિલ્હી પોલીસે સોમવારે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન અને માર્ચના સંદર્ભમાં કુલ 4 FIR દાખલ કરી છે. વિસ્તારમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરવા, બેરિકેડ્સ તોડવા અને રસ્તાઓને નુકસાન પહોંચાડવાના આરોપસર આ ગુના નોંધવામાં આવ્યા છે. તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં 2 FIR જ્યારે મંદિર માર્ગ અને બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં 1-1 FIR દાખલ કરવામાં આવી છે.
ભ્રામક પ્રચાર સામે દિલ્હી પોલીસનું કડક વલણ: પાકિસ્તાની એકાઉન્ટ્સ સ્કેનર હેઠળ
આ વિરોધ પ્રદર્શન સિવાય, દિલ્હી પોલીસે દેશવિરોધી પ્રચાર અને અફવાઓ ફેલાવવા બદલ અલગથી અન્ય 4 FIR પણ નોંધાવી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન સ્થિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પ્રદર્શનનો ગેરફાયદો ઉઠાવીને ભારતવિરોધી વાતાવરણ ઊભું કરવા અને કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
પોલીસે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પત્ર લખીને આશરે 500 જેટલી વાંધાજનક અને ગેરમાર્ગે દોરનારી પોસ્ટ્સ તાત્કાલિક અસરથી હટાવવા વિનંતી કરી છે. હાલ 100થી વધુ શંકાસ્પદ એકાઉન્ટ્સ પોલીસની નજરમાં છે, જેમાંથી ઘણા પાકિસ્તાનથી ઓપરેટ થતા હોવાનું મનાય છે.
જૂના વીડિયો વાઇરલ કરી દિલ્હીમાં હિંસાનો ખોટો પ્રચાર કરાયો
તપાસમાં સામે આવ્યું છે કે સરહદ પારથી સંચાલિત કેટલાક ફેક એકાઉન્ટ્સ દ્વારા રમખાણો અને હિંસાના જૂના તેમજ એડિટ કરેલા વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યા હતા. આ વીડિયોને દિલ્હીના વર્તમાન પ્રદર્શનના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. આ પોસ્ટ્સ સાચી લાગે તે માટે ભારતીય યુવાનોના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યા હતા.
10 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર દિલ્હીમાં ભારે હિંસા થઈ હોવાના દાવા કરાયા હતા. એટલું જ નહીં, એક 'X' એકાઉન્ટ પરથી દિલ્હીમાં સેના તૈનાત કરાઈ હોવાની અને બજારો બંધ હોવાની અફવા ફેલાવાઈ હતી. જેનો ખુલાસો કરતા દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયોનો વર્તમાન ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી.
સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી વિપક્ષની માર્ચ: 10,000થી વધુ જવાનો તૈનાત હતા
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ 'INDIA' ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અને હજારો કાર્યકરો બારાખંબા રોડ પર એકઠા થયા હતા અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી હતી. કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ વચ્ચેના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં લોકોએ ઝંડા લહેરાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પ્રક્રિયા બંધ કરવાની માંગ સાથે નારેબાજી કરી હતી.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, તે સમયે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ હોવાથી આ સભા ગેરકાનૂની હતી. સુરક્ષા માટે 10,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ભગવાન દાસ રોડ પર પ્રદર્શનકારીઓ પોલીસ વાહનો પર ચડી ગયા હતા, જે બાદ પોલીસે ભીડને કાબૂમાં લેવા કાર્યવાહી કરી હતી.








