જંતર-મંતર પર હાઈવોલ્ટેજ ડ્રામા: બેરિકેડ્સ તૂટ્યા, અટકાયતો થઈ! કોંગ્રેસે આરપારની લડાઈનું કર્યું એલાન!

મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષો ભારે આક્રોશમાં છે. વિપક્ષો સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR)ના મતદારોના નામ કાપવા મામલે તેમજ ચૂંટણી પંચની નિષ્પક્ષતાના સવાલો ઉઠાવીને જ્ઞાનેશ કુમારનું સતત રાજીનામું માંગી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ CEC પર આકરા પ્રહારો કરીને 3 માંગ કરી છે.
કોંગ્રેસે 3 માંગણીઓ રજૂ કરી
ખડગેએ સોમવારે ચૂંટણી પ્રક્રિયા અને વ્યવસ્થાને લઈને પક્ષ તરફથી 3 મુખ્ય માગણીઓ રજૂ કરી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ એવી માગણીઓ છે જેના પર કોઈપણ પ્રકારનું સમાધાન શક્ય નથી. આ માગણીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(SIR) રદ કરવું અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો સમાવેશ થાય છે.
ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવી
તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાઓને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને ઇન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે દેશના જુદા-જુદા ભાગોમાં જે નાગરિક સંગઠનો અને યુવા સંગઠનો આ મામલે અવાજ ઉઠાવી રહ્યા છે, પક્ષ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.
દિલ્હીમાં મહિલા પત્રકાર મામલે ખડગેનો ભાજપ પર ગંભીર આક્ષેપ
દેશની રાજધાની દિલ્હીમાં મહિલા પત્રકારો સાથે બનેલી કથિત ઘટના અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિલ્હીમાં મહિલા પત્રકારોને હેરાન કરી છે, જે બાબત અત્યંત નિંદનીય છે. સરમુખત્યાર ખૂબ ગભરાઈ ગયા છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટેના ષડયંત્રો ચાલી રહ્યા છે.
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનો સંદર્ભ
3 ઑક્ટોબરના રોજ રાજધાનીમાં 'ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન' અને અન્ય જૂથો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે SIR પ્રક્રિયાને લઈને ભારે દેખાવો થયા હતા, જેને લઈને ખડગેએ આ નિવેદન આપ્યું છે. જંતર-મંતર પાસે થયેલા આ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષા નેહા બોરા તેમજ વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ સહિત અનેક પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની કાર્યવાહી અને પત્રકારોના ગંભીર આક્ષેપો
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નેહા યાદવના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક હુકમો લાગુ હોવાથી પ્રદર્શનકારીઓને સ્થળ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આદેશનું પાલન ન થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન, અટકાયત કરાયા બાદ પોતાની જાતને પત્રકાર ગણાવતી 3 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી કે સ્થળ પર કાયદો-વ્યવસ્થા જાળવણી દરમિયાન પોલીસકર્મીઓએ તેમની સાથે ગેરવર્તણૂક અને જાતીય સતામણી કરી હતી.

