દિલ્હીના જંતર-મંતર પર 3 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોએ પોલીસકર્મીઓ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. આ ગંભીર ફરિયાદો મળ્યા બાદ દિલ્હી પોલીસે મામલાની નિષ્પક્ષ અને સચોટ તપાસ માટે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. રવિવારે એક પોલીસ અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી.
શનિવારે એક મહિલા પત્રકારે મીડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસના એક આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી હતી, આ દરમિયાન બનેલી કથિત ઘટનાઓને લઈને નવી દિલ્હી જિલ્લા પોલીસને ફરિયાદો મળી છે. ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસે આ મામલો ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કર્યો છે, જ્યાં હવે ફરિયાદકર્તા મહિલા પત્રકારો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનો નોંધવામાં આવશે.
મહિલા પત્રકારની આપવીતી
ઘટના અંગે વાત કરતા એક મહિલા પત્રકારે જણાવ્યું કે, 'હું જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનને કવર કરી રહી હતી. તે સમયે એક એસીપી દ્વારા કથિત રીતે મારી જાતીય સતામણી કરવામાં આવી. જ્યારે પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ રહ્યા હતા ત્યારે સ્થળ પર કોઈ મહિલા પોલીસકર્મી હાજર ન હતી. જ્યારે મેં દિલ્હી પોલીસના એસીપી વિવેક ભગતને પૂછ્યું કે મહિલા પોલીસકર્મીઓ કેમ હાજર નથી, ત્યારે તેમણે યૌન ઉત્પીડન કરીને મને પાછળ ધકેલી દીધી હતી. આ ઘટના બાદ હું અન્ય લોકો સાથે FIR નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને પ્રેસ ક્લબ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી
આ ઘટનાને લઈને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)એ પ્રદર્શન કવર કરી રહેલી મહિલા પત્રકારો સાથેના પોલીસના કથિત વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે. પીસીઆઈ (PCI)એ દિલ્હી પોલીસ પાસે મહિલા પત્રકારની ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાઉન્સિલે જણાવ્યું કે લોકશાહીમાં આ પ્રકારનું વર્તન સ્વીકારી શકાતું નથી અને પત્રકારોને કોઈપણ ડર વગર સ્વતંત્ર રીતે કામ કરવાની તેમજ ઘટનાઓ નોંધવાની આઝાદી મળવી જોઈએ. જો દેશની રાજધાનીના કેન્દ્રમાં પણ મીડિયાકર્મીઓ સુરક્ષિત ન હોય, તો તે દેશમાં મીડિયાની સ્વતંત્રતા માટે સારો સંકેત નથી.
આ ઉપરાંત, 'પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા'એ પણ સખત નિવેદન જાહેર કરીને શુક્રવાર અને શનિવારના પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે થયેલા કથિત દુર્વ્યવહાર સામે નારાજગી દર્શાવી છે. પ્રેસ ક્લબે જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના પગલા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને દિલ્હી પોલીસને તાત્કાલિક કડક પગલાં લેવા અપીલ કરી છે.
તાત્કાલિક કાર્યવાહીની માંગ
પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ માંગ કરી છે કે દિલ્હી પોલીસ એક મહિલા પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે તાત્કાલિક કાર્યવાહી કરે. તેણે પોલીસને એ સુનિશ્ચિત કરવા પણ અનુરોધ કર્યો છે કે મીડિયાકર્મીઓને તેમની ફરજો બજાવવા માટે પૂરતી જગ્યા મળે અને તેઓ આક્રમક વર્તન કે ધમકીઓનો સામનો ન કરે.
પ્રેસ ક્લબે દિલ્હી પોલીસની કાર્યવાહી તેમજ જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
આક્ષેપો અંગે દિલ્હી પોલીસે શું કહ્યું?
જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ સામે મહિલા પત્રકારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે દિલ્હી પોલીસે પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પોલીસના ડીસીપી (પીઆરઓ) નેહા યાદવે જણાવ્યું હતું કે ત્રણ મહિલાઓએ અટકાયત દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કે ધક્કામુક્કી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદો નોંધાવી છે. આ ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ડીસીપી નેહા યાદવના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ હોવા છતાં, AISA અને અન્ય સંગઠનોએ 3 ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓને વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ હોવા અંગે જાણ કરવામાં આવી હતી અને વિરોધ સ્થળ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ ચેતવણી પર ધ્યાન આપ્યું ન હતું, જેના પરિણામે તેમની અટકાયત કરવામાં આવી હતી.
'ત્રણ મહિલાઓએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી'
ડીસીપી નેહા યાદવે કહ્યું, "સાંજે લગભગ 6 વાગ્યે, ત્રણ મહિલાઓએ - જેમણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી - અટકાયત દરમિયાન દિલ્હી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદો નોંધાવી હતી." તેમણે ઉલ્લેખ કર્યો કે ત્રણેય મહિલાઓની ફરિયાદો નોંધવામાં આવી છે અને તેમની તબીબી તપાસ કરવામાં આવી છે. આ મામલો વધુ તપાસ માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
પોલીસે ઘટના સંબંધિત વીડિયો માંગ્યા
દિલ્હી પોલીસે એવી વ્યક્તિઓને પણ આગળ આવવા અપીલ કરી છે જેમની પાસે આ ઘટનાના વીડિયો કે ફૂટેજ હોય. ડીસીપી નેહા યાદવે અપીલ કરી છે કે જે કોઈની પાસે ઘટના સંબંધિત વીડિયો કે અન્ય ફૂટેજ હોય તેઓ તેને ક્રાઈમ બ્રાન્ચ સાથે શેર કરે. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચને મોકલી આપવામાં આવી છે, જે આ મામલે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરશે. મહિલા પત્રકારો દ્વારા દાખલ કરવામાં આવેલી આ ફરિયાદો ૩ ઓક્ટોબરના રોજ જંતર-મંતર વિસ્તારમાં SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહીને લગતી છે.
પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ ત્રણ મહિલા પત્રકારો દ્વારા પોલીસ કર્મચારીઓ પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે માંગ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બાબતની નોંધ લે. દિલ્હી પોલીસે આ ત્રણ મહિલા પત્રકારોની ફરિયાદો તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "મહિલા પત્રકારોએ જંતર-મંતર પર રિપોર્ટિંગ કરતી વખતે પોલીસ કર્મચારીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. ડઝનબંધ પત્રકારોના વિરોધ છતાં, ન તો કોઈ FIR નોંધવામાં આવી કે ન તો કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી."