VIDEO : કપરાડા તાલુકામાં પીકઅપ વાન પલટી જતાં 6 લોકોના મોત, 22 મુસાફરોને ઈજા થતાં સારવાર હેઠળ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં પીકઅપ વાન પલટી જતાં 6 લોક

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં પીકઅપ વાન પલટી જતાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આણું વાળવાના પ્રસંગે જઈ રહેલા એક જ પરિવારના આશરે 28 જેટલા સભ્યો આ વાહનમાં સવાર હતા, ત્યારે ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા મહેમાનોને નડ્યો અકસ્માત
વલસાડના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે આજે(22 એપ્રિલ) એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા મહેમાનો સવાર એક પીકઅપ વાન અચાનક દુર્ઘટનાનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, રસ્તામાં આવતા એક ચઢાણ પર વાન ચઢી રહી હતી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાન પાછળની તરફ એટલે કે રિવર્સમાં આવવા લાગી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી.
6ના મોત, 22ને ઈજા
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનમાં સવાર અન્ય 22 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખુશીના પ્રસંગે ગયેલા પરિવારોમાં આ અકસ્માતને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.












