મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાયો, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નવા નીરના વધામણા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. 

પાંચ ગેટ ખોલાયા, 4 કરોડ પ્રજાને પીવાનું પાણી

નર્મદાના નીરના વધામણાં બાદ ડેમના જળસ્તરને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક 5 ગેટ ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. હાલની 138.68 મીટરની સપાટી પર ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર જેટલી છે.

નર્મદા ડેમની સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓ થકી ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ મળીને રાજ્યની આશરે 4 કરોડની પ્રજાને નર્મદાનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

છઠ્ઠી વખત મહત્તમ સપાટીએ પહોંચ્યો નર્મદા ડેમ; 10 નદીઓ પુનર્જીવિત કરાઈ

આ વર્ષ 2025 સાથે, નર્મદા ડેમ વર્ષ 2017 બાદ અત્યાર સુધીમાં કુલ 6 વખત તેની મહત્તમ સપાટીએ ભરાયો છે, જેમાં વર્ષ 2019, 2020, 2022, 2023 અને 2024નો સમાવેશ થાય છે.

આ વર્ષે નર્મદા બંધના ઓવરફ્લો દરમિયાન એક નોંધનીય પગલું લેવામાં આવ્યું છે. રાજ્યની 10 નદીઓ જેવી કે પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ નદીઓમાં પાણી વહેવડાવીને તેમને પુનર્જીવિત કરવામાં આવી છે.

વીજળી ઉત્પાદનમાં પણ વિક્રમ

જળ સંગ્રહની સાથે સાથે વીજળી ઉત્પાદનમાં પણ નર્મદા યોજનાએ વિક્રમ સર્જ્યો છે. ચાલુ ચોમાસામાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ 302 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. ખાસ કરીને સપ્ટેમ્બર 2025માં માસિક વીજળી ઉત્પાદન 105 કરોડ યુનિટ જેટલું વિક્રમી રહ્યું છે. અત્યાર સુધીમાં નર્મદા યોજના દ્વારા કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો