Patan news: DJ વગાડી બંધારણનું ઉલ્લંઘન કરનાર મગનજી ઠાકોરને 1.51 લાખનો દંડ, સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય
સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે સમાજે કડક પગલાં લઈ
સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000નો દંડ ફટકાર્યો છે. બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર ,કેશાજી ઠાકોર,સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. DJ વગાડવા મુદ્દે સમાજના લોકોએ વિરોધ કર્યો હતો, જે બાદ ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000 દંડ ફટકારાયો છે.
શું હતો મામલો?
પાટણ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા થતા હોવાનો મામલો સામે આવ્યો હતો. પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આક્ષેપો થયા હતા. કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ મુજબ DJ અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે. લગ્ન પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમાજમાં ચર્ચા શરૂ થઈ હતી.
વિડીયો વાયરલ થયા બાદ મગનજી ઠાકોરનું નિવેદન
આ અંગે મગનજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી.ગરબામાં ડીજે નહિ પણ લાઈવ કાર્યક્રમ કર્યો હતો. તા. 2 ના રોજ બ્રહ્માણી માતાનો જન્મ દિવસ હોઈ તે નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું અને તે દિવસે જ દીકરીના લગ્નનો પ્રસંગ હતો એટલે લોકોને એવું લાગ્યું કે લગ્નમાં ગરબા રાખ્યા છે. કોઈએ સોશિયલ મીડિયામાં ખોટા વિડિયો બનાવી વાયરલ કર્યા હતા. આ ગરબા પણ સમાજના આગેવાનોને પૂછીને રાખ્યા હતા, છતાં સમાજ જે કહેશે તેમ કરવા તૈયાર છીએ.
બંધારણ ભંગ બદલ ત્રણ પરિવારોને સમાજ બહાર કરાયા
બનાસકાંઠાના ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણના ભંગને લઈને સમાજે આકરું વલણ અપનાવ્યું છે. ઠાકોર સમાજે બંધારણનું ભંગ કરવા બદલ ત્રણ પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે.
સમાજે નક્કી કરેલા બંધારણ મુજબ, લગ્નપ્રસંગે DJ પ્રથા પર પ્રતિબંધ હોવા છતાં DJના ભારે ભરખમ ઘોંઘાટ સાથે વરઘોડો નીકળ્યો હતો. જે નિયમ ભંગ મામલે જાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોએ બેઠક યોજી હતી, જેમાં નિયમનો ભંગ કરનાર જાબડીયા ગામના આગેવાને પાઘડી ઉતારી સમાજની માફી માંગી હતી અને સમાજ જે નિર્ણય લેશે તેને સ્વીકારીશું કરવાની વાત કહી હતી.
DJમાં જોડાયેલા ગાયકોને અનફોલો કરવા અપીલ
બેઠકમાં જેના ઘરે લગ્ન હતા, તે લહેરાજી રતનજી ઠાકોર, કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર એમ આ ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા હોવાનો આ બેઠકમાં નિર્ણય કરાયો છે. ઠાકોર સમાજના આગેવાનોએ આ DJમાં જોડાયેલા ગાયકોને સોશિયલ મીડિયા અનફોલો કરવા અપીલ કરી છે.








