ગુજરાતમાં સામાન્ય માણસને પોતાનું કામ કરાવવું યુદ્ધ લડવા સમાન : ભાજપના જ 5 MLAનો CMને પત્ર
વડોદરા જિલ્લામાં ભાજપાના પાંચેય ધારાસભ્યોની સહીવાળો પત્ર વાયરલ થતા રાજકીય

વડોદરા જિલ્લામાં ભાજપાના પાંચેય ધારાસભ્યોની સહીવાળો પત્ર વાયરલ થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં જિલ્લાના ધારાસભ્યો અધિકારી રાજથી પરેશાન હોવાનું પત્રમાં ખુલ્લેઆમ જણાવાયું છે. ડભોઇના શૈલેષ મહેતા, સાવલીના કેતન ઇનામદાર, કરજણના અક્ષય પટેલ, પાદરાના ચૈતન્યસિંહ ઝાલા અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખ્યો છે.
અધિકારીઓ ગાંઠતા નથી
પત્રમાં સરકારી બાબુઓ નાગરિકોના કામો ન કરતા હોવાના આક્ષેપો કરાયા છે. અધિકારીઓ ગાંઠતા નથી, પોતાની જાતને સરકાર સમજી વહીવટ કરે છે અને જનતા ધરમધક્કા ખાઈ થાકી ગઈ હોવાનું પણ ઉલ્લેખ છે. ખુદ ધારાસભ્યોને પણ અધિકારીઓથી કડવો અનુભવ થયો હોવાનો ઉલ્લેખ થતા રાજકીય માહોલ ગરમાયો છે.
સરકારી કચેરીમાં કામ કરાવવું યુદ્ધ સમાન
પાંચેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચઢ્યો છે. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કામ કરાવવું જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે.
ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરાતા નથી
વહીવટી તંત્ર દ્વારા જમીની હકીકત પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. સરકારને હકીકતથી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજીને અંધાધૂન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબી ખરડાઇ રહી છે. ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી. ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?
પ્રજાલક્ષી કામોને પ્રાધાન્યતા આપો
વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ આ અંગે અગાઉ પણ રજૂઆતો કરી હતી, ધારાસભ્યોએ સરકારને અપીલ કરી છે કે ખરાબ મનસ્વિતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવવામાં આવેલા પ્રજાલક્ષી કામોને પ્રાધાન્યતા આપવામાં આવે અને આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલાં લેવામાં આવે.








