મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાંચતા ન આવડ્યું એટલે માસૂમ વિદ્યાર્થીને મળી અસહનીય તાલીબાની સજા! 

વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામે પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર

વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામે પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ થયો છે. સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવી છે. શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા માસુમ વિદ્યાર્થીને વાંચતા ન આવડતાં હોવાના કારણે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ઘટના સામે આવતા વાલીઓમાં ભારે રોષ છે.

મહિલા શિક્ષકે ગુસ્સામાં આવી વિદ્યાર્થીને માર માર્યો

આ ઘટના બાદ સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના સોમવાર એટલે કે 15 ડિસેમ્બરની છે, જેમાં શાળાના વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી યોગ્ય રીતે પાઠ વાંચી ન શકતા શિક્ષક ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને લાકડી વડે બેફામ માર માર્યો હતો. મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઇજાઓ પહોંચતા તે રડતો-રડતો ઘરે પહોંચ્યો હતો.

કઠોર વર્તન બદલ શિક્ષક સામે કડક કાર્યવાહીની માગ

વિદ્યાર્થીની હાલત જોઈ માતા-પિતાએ શાળાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને વાલીઓ શાળાએ એકત્રિત થયા હતા અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી. વાલીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતની ઘટના અસહ્ય અને અમાનવીય છે. 

આ શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આવી ઘટનાઓ સામે આવવી શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પ્રેમ, ધૈર્ય અને સમજદારીથી થવું જોઈએ, ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે.

આ સમાચાર શેર કરો