Video: રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ચોમાસુ પાક નિષ્ફળ જતાં ખેડૂતોમાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાનો સમાવેશ ન કરાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ઓછા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, જ્યારે વીજળીની સમસ્યા અને રાસાયણિક ખાતરના વધતા ભાવથી ખેતીનો ખર્ચ વધવાની ચિંતા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેતી પાછળ કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ ન હોવાથી ધિરાણની ચૂકવણી કરવી મુશ્કેલ બની રહી છે. ખેડૂતોની માગ છે કે રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતોનાં ધિરાણ માફ કરવામાં આવે. શિયાળુ પાકના વાવેતર પહેલાં સરકાર રાહતનાં પગલાં ભરે તેવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે.







