VIDEO: સતત ત્રીજા દિવસે ભારે વરસાદથી આર્થિક નગરી મુંબઈમાં અનેક વિસ્તારો જળબંબાકાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદનું જોર રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદનું જોર રહેતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ અને પાણી ભરાતા આર્થિક નગરીની ગતિ પર બ્રેક લાગી છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો અને મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ 'રેડ એલર્ટ' જારી કરાતા ભારે વરસાદને ધ્યાને રાખીને શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઈસ્ટર્ન ફ્રીવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે જામ થતાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે.
મુંબઈમાં વાહનવ્યવહાર ઠપ્પ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા
સોમવારે સતત ત્રીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વાહનચાલકોના મતે, શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા. ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અંધેરી સબવે, લોખંડવાલા કોમ્પ્લેક્સ જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સાયન વિસ્તારમાં ગાંધી માર્કેટ પણ પાણીમાં ડૂબી ગયું છે.
લોકલ ટ્રેનો મોડી પડી
મુંબઈ મહાનગરીની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ વીજળી પુરવઠા અને પરિવહન (BEST) ઉપક્રમની બસ સેવાઓના કોઈપણ રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શનિવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે રાતભર ભારે વરસાદ બાદ, સવારે 9 વાગ્યાથી વરસાદની તીવ્રતામાં વધુ વધારો થયો હતો, એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ આખો દિવસ ખૂબ જ ભારે વરસાદ ચાલુ રહેશે. IMD એ કહ્યું કે, મરાઠવાડામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે કોંકણ-ગોવામાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે.
ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આઈએમડીએ જણાવ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કોંકણ-ગોવામાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ/ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો થી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે." આ પ્રદેશમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.








