મુખ્ય સામગ્રી પર જાઓ

Mahesana news: યુવકના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ, લૂંટની ઘટના CCTVમાં કેદ

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તસ્કરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આરૂષ

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર તસ્કરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આરૂષ આઇકોન ફ્લેટમાં રહેતા અને ખાનગી કંપનીમાં એડમિન તરીકે ફરજ બજાવતા યુવક પોતાની પત્ની સાથે રાત્રિના સમયે મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી સાડા ત્રણ તોલાનો સોનાનો દોરો ઝુંટવીને રફુચક્કર થઈ ગયા હતા. 

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા આરૂષ આઇકોન ફ્લેટમાં રહેતા અમરભાઈ શૈલેષભાઈ ભાવસાર ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે તેમની પત્ની મોનિકાબેન સાથે જમીને ચાલવા નીકળ્યા હતા, ત્યારબાદ દંપતિ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા ગયું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રે દસેક વાગ્યાના અરસામાં આરૂષ આઇકોન પાસે પાંચોટ બાયપાસ તરફથી એક પલ્સર બાઈક પર બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા.

બાઈક સવારોએ અમરભાઈના ગળામાં પહેરેલો સાડા ત્રણ તોલાનો સોનાનો દોરો ખેંચી લીધો હતો. આંચકો મારી દોરો તોડીને બંને શખ્સો મહેસાણા રાધનપુર ચોકડી તરફ બાઈક ભગાવી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી દંપતિ સ્તબ્ધ થઈ ગયું હતું. જોકે જે-તે સમયે પોલીસને મૌખિક જાણ કર્યા બાદ આજે અમરભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા બાઈક સવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો