VIDEO: પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ED ઓફિસે હાજર, 1XBet એપ મામલે પૂછપરછ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. કેન્દ્રીય તપાસ એજન્સી, એન્ફો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. કેન્દ્રીય તપાસ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે દિલ્હી સ્થિત ED મુખ્યાલયમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ પૂછપરછ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન 1XBet સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. યુવરાજ સિંહ 23 સપ્ટેમ્બરે ED ઓફિસમાં હાજર થઈ ચૂક્યો છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની પૂછપરછ કરવામાં આવશે.
યુવરાજ સિવાય આ ક્રિકેટરોની થઈ પૂછપરછ
યુવરાજ સિંહ પહેલો ક્રિકેટર નથી જેની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હોય. યુવરાજ સિંહ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની પણ 1XBet સંબંધિત આ જ કેસમાં સતત આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શિખર ધવન અને સુરેશ રૈના સહિત ઘણા અન્ય ક્રિકેટરોને પણ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ થઈ ચૂકી છે. હવે 1XBet મામલે યુવરાજ સિંહને પણ પૂછપરછ કરવામાં આવશે.
સટ્ટાબાજી એપ્લિકેશન કેસ શું છે?
જણાવી દઈએ કે, આ કેસ 2024થી ચાલી રહેલી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત છે. જેમાં મની લોન્ડરિંગ અને જુગારમાં હજારો કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો થયા હતા. આ સટ્ટાબાજીની એપ્સને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટરો અને સેલિબ્રિટીઓને કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં એક ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
આ એપ કેસ મામલે ક્રિકેટરો ઉપરાંત, ભૂતપૂર્વ ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તી, બંગાળી અભિનેતા અંકુશ હજારા અને દક્ષિણના અભિનેતા રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને વિજય મંચુની પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછમાંથી મળેલા ઇનપુટ્સની વધુ તપાસ કરવા માટે, યુવરાજ સિંહને પણ પૂછપરછ માટે દિલ્હી મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યો છે.
આ ઘટના કથિત રીતે ગેરકાયદેસર બેટિંગ એપ્સ સાથે જોડાયેલી છે. આરોપ છે કે આ એપ્સે લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે અને મોટા પાયે ટેક્સ ચોરી પણ કરી છે. કંપની 1XBet ખુદને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત બુકી ગણાવે છે. કંપનીનો દાવો છે કે તે છેલ્લા 18 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેના પ્લેટફોર્મ પર ગ્રાહક હજારો સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે, તેની વેબસાઇટ અને એપ કુલ 70 ભાષામાં છે.








