મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બનાસકાંઠા કોંગ્રેસમાં વિખવાદ, ગુલાબસિંહના પ્રદેશ નેતાગીરી પર આડકતરો પ્રહાર, કહ્યું- 'પક્ષના કેટલાક લોકો ભાજપ સાથે સોદા કરે છે'

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિ

સોર્સ: gstv

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વચ્ચેનો જૂનો ગજગ્રાહ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. નિમણૂકો રદ થવાથી શરૂ થયેલો વિવાદ હવે ગેનીબેન ઠાકોરને લઈને કરાયેલા ગંભીર આક્ષેપો અને નામ જાહેર કરવાની ચીમકી સુધી પહોંચ્યો છે.

ગુલાબસિંહ રાજપૂતનો સોશિયલ મીડિયા પર કટાક્ષ 

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ વધુ ઉગ્ર બની છે. ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસમાં લીધા વગર બનાસકાંઠા જિલ્લાનું માળખું જાહેર કરાયું હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ સમિતિની મંજૂરી વગર કરાયેલી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કારોબારીની નિમણૂકોને તાત્કાલિક અસરથી રદ કરી હોવાની જાહેરાત કરી હતી.અમિત ચાવડાની આ જાહેરાત બાદ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકી હતી. તેમણે આડકતરો પ્રહાર કરતા લખ્યું કે, ‘તમારી લડાઈ અમારી સાથે નહીં પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપ સરકાર સામે હોવી જોઈએ.’ 

વિવાદ અહીં જ અટક્યો નથી. ગુલાબસિંહ રાજપૂતે પક્ષમાં કેટલાક નિર્ણયો એક-બે લોકોના પ્રભાવમાં લેવાતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમનો દાવો છે કે પાર્ટીને નુકસાન પહોંચાડનારા કેટલાક લોકો ભાજપ સાથે સોદા કરે છે. તેમણે આગામી સમયમાં આવા લોકોનાં નામ જાહેર કરવાની ચીમકી આપી છે. સાથે જ ગુલાબસિંહ રાજપૂતે સમગ્ર ઘટનાક્રમને સાંસદ ગેનીબેન ઠાકોરને નુકસાન પહોંચાડવાનું કથિત ષડયંત્ર ગણાવ્યું છે. આ ગંભીર આક્ષેપો બાદ હવે બનાસકાંઠા કોંગ્રેસનું આંતરિક રાજકારણ વધુ ગરમાયું છે.

આ સમાચાર શેર કરો