મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'5555 ટૂંક સમયના મહેમાન' વાળી ઓડિયો ક્લિપ મામલે ચોટીલાના પ્રાંત અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરીને કરોડોની કરચોરી પકડનારા ચોટીલાના પ્રાંત અધ

સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરીને કરોડોની કરચોરી પકડનારા ચોટીલાના પ્રાંત અધિકારીની બદલી અંગેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ ઓડિયો ક્લિપને લઇને ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

વાયરલ ઓડિયો ક્લિપને લઇને પ્રાંત અધિકારીએ શું કહ્યું?

ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ વાયરલ ઓડિયો ક્લિપ પર કહ્યું કે, 'કથિત ઓડિયો ક્લિપ ચોટીલા પંથકની અંદર જે કોઇ પણ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય છે. રાજ્ય સરકારે અમારી જે નિમણૂંક કરી છે તે ચોટીલા,થાનગઢ અને મૂળીના નાગરિકોને જે કોઇ પ્રશ્ન હોય તેનું નિરાકરણ આવે અને ઝડપથી ન્યાય મળે તે માટે કરવામાં આવી છે. છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ યોજના છે તે છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી ફરજનો ભાગ છે.થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારમાં જે કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થાય છે તે પ્રવૃતિ નેસ્તનાબુદ કરવી અમારી ફરજનો ભાગ છે. આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અહીંના નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે, નાગરિકોએ આવી ઓડિયો ક્લિપની અંદર વિશ્વાસ રાખવો નહીં.'

વધુમાં ચોટીલાના પ્રાંત અધિકારીએ કહ્યું કે, "જે કોઇ પણ ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ અહીંથી જતા હોઇએ છીએ ત્યારે ગાડીની સતત રેકી કરતા હોય છે અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપ બનાવી પળેપળની માહિતી નાખતા હોય છે.અત્યાર સુધી આવા ઇસમ ધ્યાનમાં આવેલા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવેલી જ છે. આ એક ફરજની રૂકાવટ ગણી શકાય જેથી આવી કોઇ ઓડિયો ક્લિપ કે મેસેજ વાયરલ કરે છે તેમની સામે ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'

જાણો શું છે ઘટના

સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન પંથકમાં ખનીજ અંગેના દરોડા પાડીને કરોડોનો દંડ ફટકારનારા પ્રાંત અધિકારીની બદલીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. ભૂમાફિયાઓ લાખો રૂપિયાની ખનીજ ચોરી કરીને રૂપિયા રળતા હતા તેના ઉપર અધિકારીએ બ્રેક મારી છે.જોકે, આ ઓડિયો ક્લિપ કોની છે તેની તપાસ કરવામાં આવે તો દિલ્હી અને ગાંધીનગર સુધી કોના છેડા છે અને કોણ બદલી માટે ગયું હતું તેની ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે. ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે 5555 ટૂંક સમયનો મહેમાન છે. ટૂંક સમયનો મેસેજ છે મારો ભાઇ ત્યારે બીજો વ્યક્તિ કહે છે, ધુમાડા ના કાઢભાઇ હું દિલ્હી રોકાણો હતો અને વળતા ગાંધીનગર ગયો હતો. વાસ્તવિકતા જાણવા આમ બન્નેની વાતચીત વાયરલ થઇ હતી. 

આ સમાચાર શેર કરો