વિદ્યાર્થીઓનું શોષણ! વાઘોડિયાની અંબાલી પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાઈ, Video વાયરલ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી અંબાલી પ્રાથમિક શાળામાંથી શિક્ષણના મંદિરને શર
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી અંબાલી પ્રાથમિક શાળામાંથી શિક્ષણના મંદિરને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થઈ છે, ત્યારે આ શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણની જગ્યાએ ગરીબ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે.
બાળકો પાસે કોમ્પ્યુટરના કવર ધોવડાવ્યા
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારનું મજૂરી કામ લેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના કવરો ધોતા નજરે પડે છે, જે શિક્ષણની જગ્યાએ બાળકોનું શોષણ થતું હોવાનું દર્શાવે છે.
બાળક વજન ઉચકતા પટકાયું
આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી જાય છે જ્યારે વીડિયોમાં એક બાળક ભારે વજન ઉચકી લેતાં પટકાઈ જતો હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. અભ્યાસ કરવા આવતા ગરીબ બાળકો પાસેથી આ રીતે બાળ મજૂરી કરાવવાની ઘટનાથી વાલીઓ અને જાગૃત નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે.
શિક્ષકો સામે કાર્યવાહી
સમાજમાં સરસ્વતી મંદિર સમાન શાળામાં જ જો બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોય, તો બાળ મજૂરી કરાવનાર આવા બેદરકાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે, તે સૌથી મોટો સવાલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વીડિયોની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
(નોંધ: વાયરલ થયેલા આ વીડિયોને GSTV સાથે કોઈ લેવાદેવા નથી.)
















