મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થર્ટીફર્સ્ટે ચુસ્ત બંદોબસ્તમાં ચેકિંગ થયું! અને બીજા જ દિવસે મહિલાઓએ પોલીસને ઉઘાડી પાડી દીધી!

ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો સખત અમલ કરાવી રહી

તસવીર: gstv

ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો સખત અમલ કરાવી રહી હોવાની વાતો કરે છે. થર્ટી ફસ્ટની પાર્ટીઓમાં નામ માત્ર કેસ નોંધીને પોલીસે સખ્ત કાર્યવાહી કરી હોવાની વાહવાહી લૂંટે છે. તો બીજી તરફ ગુજરાતની મહિલાઓ દ્વારા જનતા રેડ કરીને પોલીસની પોલ ઉઘાડી પાડી રહી હોવાની ઘટના સામે આવી છે. 

રાજકોટ જિલ્લાના જેતપુરમાં થર્ટીફસ્ટની રાતે પૂરતો પોલીસ બંદોબસ્ત અને સઘન ચેકિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પોલીસની અલગ-અલગ ટીમોએ જેતપુર સીટી, તાલુકા,અને ઉદ્યોગનગર તેમજ વિરપુર વિસ્તાર સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન માત્ર ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે.

શહેરમાં ક્યાં ક્યાં દારુ વેચાતો હતો એની જ જાણ નહોતી?

જેતપુર શહેર બહારના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસની ટીમો દ્વારા ચેકિંગ ચાલુ હતું. તમામ શંકાસ્પદ વાહનો અને ઇસમોની ઉંડાણપૂર્વક તપાસ પણ કરાઈ હતી. ત્યારે જેતપુર પોલીસનો નામ માત્રનો તપાસનો ડોળ સ્થાનિક મહિલાઓએ જ ખુલ્લો પાડ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ થર્ટી ફસ્ટનું સઘન ચેકિંગ અને બંદોબસ્તનો દેખાવો કરતી જેતપુર પોલીસને શહેરમાં ક્યાં ક્યાં દારુ વેચાતો હતો એની જ જાણ નહોતી?

ત્યારે જેતપુરમાં વેચાતા દારુ અંગે અજાણ પોલીસને સ્થાનિક મહિલાઓએ ઉઘાડી પાડતા ફજેતી થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. બુટલેગરો સામે કુણું વલણ રાખનાર પોલીસની દોગલી નીતિથી કંટાળીને મહિલાઓએ જાતે જ રણચંડી સ્વરૂપ ધારણ કરી દારૂના અડ્ડા પર ફરી એકવાર જનતા રેડ કરી હતી. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. 5- 5 વર્ષથી આ રીતે બુટલેગરો બેફામ છે ત્યારે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. 

 મહિલાઓના જણાવ્યા પ્રમાણે રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેચાણથી કંટાળી ગયા છીએ. જેના કારણે મહિલાઓએ પાડેલી જનતા રેડ દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે જેતપુર પોલીસને ચેકિંગ કે બંદોબસ્તમાં નહોતો મળ્યો. મહિલાઓના વિરોધ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને મહિલા બુટલેગરની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક જ વિસ્તારમાં ત્રીજી વખત જનતા રેડ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક દારૂનું વેચાણ બંધ કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો