નરાધમ મૌલવીની કરતૂત: લગ્નની લાલચ આપી હિન્દુ મહિલાને બોલાવી, અર્ધ બેભાન હાલતમાં દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છેવાડાના ગામમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના છેવાડાના ગામમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં મદ્રેસાના મૌલવીએ એક હિંદુ મહિલાને ધર્માંતરણ (ધર્મ પરિવર્તન) કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પાનોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લગ્નની લાલચ આપી
મળતી વિગતો મુજબ, અંકલેશ્વરના છેવાડે સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામની રહેવાસી હિંદુ મહિલાનો પરિચય તેની બહેનપણી મારફતે મૌલવી અવદ બેમાત જોડે થયો હતો. ઓળખાણ થયા બાદ મૌલવીએ મહિલાને વારંવાર મેસેજ મોકલવા, કોલ કરી વાતચીત શરૂ કરી હતી. તેણે મહિલાને લગ્નની લાલચ પણ આપી હતી અને ત્રણ વાર મુલાકાત પણ કરી હતી.
મદ્રેસા ખાતે બોલાવી આચર્યું દુષ્કર્મ
ગત 9 મી નવેમ્બરના રોજ મૌલવીએ મહિલાને મદ્રેસા ખાતે આવેલા તેના ઘરે બોલાવી હતી. ત્યાં તેને પાણી પીવડાવ્યું હતું, જે બાદ મહિલા અર્ધ બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને મૌલવીએ મહિલાની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાને ભાન આવતા જ મૌલવીએ તેને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા જણાવ્યું હતું. જો તે ધર્મ અંગીકાર નહીં કરે, તો તેને બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
ઘટના બાદ ભોગ બનનાર મહિલાએ હિંમત દાખવીને મૌલવી વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક આરોપી મૌલવીની ધરપકડ કરી હતી. ભરૂચ એસ.પી. અક્ષય રાજ મકવાણાના જણાવ્યા મુજબ, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને બંનેના તબીબી પરિક્ષણ કરાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.














