મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વેચાણ ન થઈ શકે તેવી જમીન પચાવવાનો પ્રયાસ નિષ્ફળ, બિલ્ડર રમણ પટેલ દોષિત

અમદાવાદના જાણીતા બિલ્ડર અને 'પોપ્યુલર બિલ્ડર' તરીકે ઓળખાતા રમણ પટેલને સાણંદ કોર્ટે

અમદાવાદના જાણીતા બિલ્ડર અને 'પોપ્યુલર બિલ્ડર' તરીકે ઓળખાતા રમણ પટેલને સાણંદ કોર્ટે જમીન વિવાદના એક ગંભીર કેસમાં દોષિત ઠેરવ્યા છે. આ કેસ સાણંદ નજીકના ચેખલા ગામની જમીન સાથે સંકળાયેલો છે, જેમાં રમણ પટેલ સામે છેતરપિંડી અને દસ્તાવેજની બનાવટના ગંભીર આરોપો હતા.

બનાવટી દસ્તાવેજો દ્વારા જમીન પચાવવાનો કારસો

આરોપી રમણ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406 (વિશ્વાસઘાત), 467, 468, 471 (દસ્તાવેજની બનાવટ અને દુરુપયોગ) તેમજ 120B (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ, રમણ પટેલે ચેખલા ગામની સર્વે નંબર 738 અને 743 ની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ જમીન વાસ્તવમાં વેચાણ ન થઈ શકે તેવી હતી, છતાં આરોપીએ હેતુફેર કરીને તેના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આ કારસ્તાનમાં સાણંદ મામલતદારના ખોટા અને બનાવટી હુકમોનો ઉપયોગ કરીને જમીનના દસ્તાવેજો તૈયાર કરાયા હતા, જેનો હેતુ આ જમીન બે ખોટા દસ્તાવેજોના આધારે વેચી દેવાનો હતો.

કોર્ટ ટૂંક સમયમાં સજા સંભળાવશે

રમણ પટેલ સામેના તમામ આરોપો સાબિત થયા બાદ, સાણંદ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોર્ટ દ્વારા આરોપીને ટૂંક સમયમાં સજા સંભળાવવામાં આવશે, જેના પર સૌની નજર મંડાયેલી છે. 

આ સમાચાર શેર કરો