પોલિસ, ફાયર અને મેડિકલની તમામ સુવિધાઓ એક જ કોલ પર: આફતના સમયે હવે માત્ર ‘112’ ડાયલ કરો
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી મેડિકલ હેલ્પલાઇન માટે 108, પો

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી મેડિકલ હેલ્પલાઇન માટે 108, પોલીસ માટે 100 અને ફાયર માટે 101 જેવા અલગ-અલગ નંબરો કાર્યરત હતા. પરંતુ હવે નાગરિકોની સુવિધા માટે ભારત સરકાર દ્વારા ‘112’ જનરક્ષા નંબર જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકામાં જે રીતે '911' નંબર ઇમરજન્સીમાં રામબાણ ઈલાજ સાબિત થાય છે, તે જ તર્જ પર હવે ગુજરાતમાં '112' સેવા સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવી છે.
એક જ નંબર પર તમામ સેવાઓ ઉપલબ્ધ
112 નંબર ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહેશે. લૂંટ, મારામારી કે અન્ય કોઈ પણ પ્રકારની પોલીસ મદદ હોય કે પછી મેડિકલ ઇમરજન્સી, અકસ્માત કે બીમારીના સમયે ત્વરિત સારવાર. આગ લાગવાની ઘટનામાં તાત્કાલિક ફાયર ફાઈટર બોલાવવા, મહિલાઓ પર થતા અત્યાચાર કે કોઈપણ અસુરક્ષિત પરિસ્થિતિમાં.
ટેકનોલોજી અને સ્પીડમાં મોટો ઉછાળો
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેનો રિસ્પોન્સ ટાઈમ છે. રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો: અગાઉ ઇમરજન્સી સેવાઓનો રિસ્પોન્સ ટાઈમ 24 મિનિટ હતો, જે હવે ઘટીને માત્ર 12 મિનિટ થઈ ગયો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આ સમય 10 મિનિટ સુધી લાવવાનું લક્ષ્ય છે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે 1000 જેટલી PCR વાન અને 400 જેટલી ફાયરની ગાડીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.
મોબાઈલ એપ્લિકેશન: ઇમરજન્સી માટે ખાસ એપ પણ તૈયાર કરાઈ છે. જો ફરિયાદી પોતાનું ચોક્કસ સરનામું ન કહી શકે, તો એપના માધ્યમથી તેનું લોકેશન ટ્રેક કરીને ઇમરજન્સી સેન્ટરને સરનામું શોધવામાં મદદ મળશે.
108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "112 એ જનરક્ષા નંબર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને લોકેશનના આધારે ટ્રેક કરી નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી નાગરિકોને ખૂબ જ ઝડપી અને સચોટ સહાય મળી રહેશે."
31 ઓગસ્ટથી શરૂ થયેલી આ સેવાનો મુખ્ય હેતુ મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને સમયસર મદદ પહોંચાડીને કિંમતી જિંદગીઓ બચાવવાનો છે. હવે ગુજરાતના કોઈપણ ખૂણેથી માત્ર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર અને મેડિકલની ટીમ તમારી મદદે દોડી આવશે.













