મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સિદ્ધપુર તાલુકામાં રોડ ક્રોસ કરતી બાળકી ટેમ્પોની અડફેટે ચઢી, ઇજાગ્રસ્ત બાળાની હાલત અત્યંત નાજુક

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છ

સોર્સ: GSTV

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી છે. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. 

મકાનના CCTVમાં અકસ્માત કેદ

ડીંડરોલ ગામમાં રહેણાક વિસ્તારમાંથી એક મુખ્ય માર્ગ પસાર થાય છે, જ્યાં ગત શનિવારે આ ઘટના ઘટી હતી. સમગ્ર બનાવ રોડની બાજુમાં આવેલા મકાનના CCTVમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બે નાની બાળકીઓ રસ્તાની એક તરફ ઊભી હતી, જેમાંથી એક બાળકી રોડની બંને તરફ એક વખત જુએ છે કે કોઈ સાધન આવતું નથી ને?, તે બાદ તે ઝડપભેર રસ્તો ઓળંગવા જાય છે. 

પીકઅપ વાને ટક્કર બાદ બાળકીને કચડી

જેમાં પૂરપાટ ઝડપથી આવતી પીકઅપ વાન બાળકીને અડફેટે લે છે. જે બાદ નીચે ઘસડાઈને પડેલી બાળકી પર પીકવાન ચઢી જતાં તે કચડાઈ જાય છે, અકસ્માત બાદ રોડની બીજી તરફ ઊભેલી બાળકી બૂમાબૂમ કરી મૂકે છે, જેથી ઘણા બાળકો અને સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવતા તે બાળકી તરફ દોટ મૂકે છે. 

બાળકીની હાલત ખૂબ નાજૂક

બાળકીને ગંભીર હાલતમાં જોતાં તેને તાત્કાલિક સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે જે બાદ તેને મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સ્થિતિ અતિ ગંભીર છે, હાલ ગ્રામજનો અને પંથકના લોકો બાળકી વહેલી તંદુરસ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ પણ ઠાલવ્યો છે. 

આ સમાચાર શેર કરો