VIDEO: નડિયાદ રેલવે સ્ટેશનમાં 8 વેગન ચોખા પલળ્યા, કોન્ટ્રાક્ટરની મનમાનીમાં મોટું નુકસાન
શક્તિ વાવાઝોડાને પગલે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદમાં નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ચોખાનો જથ્થો પલળી ગયો હતો.
શક્તિ વાવાઝોડાને પગલે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદમાં નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ચોખાનો જથ્થો પલળી ગયો હતો. વરસાદની આગાહી હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનમાની પગલે નડિયાદ રેલવેના ગોડાઉનમાં આઠ વેગન ભરીને ચોખાનો જથ્થો મોડી રાત્રે અચાનક ખાબકેલા વરસાદમાં પલળી ગયો હતો. રેલવે ગોદીમાં 46 વેગન ચોખાનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો પરંતુ 8 વેગન જેટલા ચોખા ગોડાઉન સુધી પહોંચાડવાના બાકી હતા. વરસાદની આગાહી છતાં કોન્ટ્રાક્ટરની મનમાનીને પગલે ચોખાનો જથ્થો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવામાં ન આવતા મોટું નુકસાન થયું છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને અવગણવી રેલવે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરને ભારે પડ્યું છે. મોડી રાત્રે અચાનક ખાબકેલા વરસાદમાં નડિયાદ રેલવે ગોદીમાં અનાજ પલળી ગયું હતું. કાર્ટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉથી વરસાદને લઈને જથ્થાને ઢાંકવા આયોજન ન કરાતાં મોટું નુકસાન થયું હતું.
વીજળીના કડાકા સાથે તૂટી પડેલા વરસાદમાં ચોખાના જથ્થા ઉપર તાડપત્રી ઢાંકવામાં લાપરવાહી સામે આવી છે. સરકારી અનાજ ગોડાઉનમાં પહોંચે તે પહેલા જ ચોખાનો જથ્થો પલળ્યો હતો.
જણાવી દઈએ કે, નડિયાદ રેલવે ગોદીના કોન્ટ્રાક્ટરોની મનમાનીના કારણે અગાઉ પણ ખાતર ઘઉં સહિત અન્ય માલ સામાનનું ભારે નુકસાન થતું રહ્યું છે. રેલવેમાં 46 વેગન ચોખાનો સરકારી જથ્થો આવ્યો હતો. 46 વેગન નડિયાદ સ્ટેશને ઉતાર્યા હતા. જેમાંથી 8 વેગનનો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવાનો બાકી હતી. રેલવે સ્ટેશન પર જ 10 હજાર કરતાં વધુ બેગ ચોખા પલળતાં મોટું નુકસાન થયું એ હકિકત છે.












