VIDEO: 470 લીટર નકલી દૂધ ઝડપાયું, આ રીતે ચાલતો હતો સફેદ દૂધનો કાળો કારોબાર!
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-12એ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-12એ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અને બૃહન્મુંબઈ ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને દહિસર (પૂર્વ) વિસ્તારમાં ભેળસેળયુક્ત દૂધ વેચવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
બાતમીના આધારે દહિસર (પૂર્વ)ના રાજેશ કમ્પાઉન્ડ નજીક આવેલી દુબે ચાલ નં. 2ના રૂમ B-3માં દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 470 લિટર દૂધ જપ્ત કરવામાં આવ્યું, જે અમૂલ તાજા, અમૂલ ગોલ્ડ, અમૂલ બફેલો અને ગોકુલ જેવી જાણીતી બ્રાન્ડના અસલી પેકેટોમાંથી કાઢીને ભેળસેળ કરીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત 327 નકલી અને ખાલી બ્રાન્ડેડ દૂધના પેકેટ, પેકેટને ફરી સીલ કરવા માટેના સાધનો અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી સામગ્રીની અંદાજિત કિંમત 39,750 રૂપિયા હોવાનું જણાવાયું છે. જ્યારે આશરે 29,750 રૂપિયાનું ભેળસેળયુક્ત દૂધ સ્થળ પર જ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું.
અસલી દૂધમાં ગંદુ પાણી ભેળવી ફરી વેચાતું હતું
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અસલી કંપનીના દૂધના પેકેટોમાંથી દૂધ કાઢી તેમાં ગંદુ પાણી ભેળવતો હતો. ત્યારબાદ આગની મદદથી પેકેટને ફરી સીલ કરીને તેને અસલી પ્રોડક્ટ તરીકે બજારમાં વેચવામાં આવતું હતું.
પોલીસે જણાવ્યું કે આ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ફૂડ સેફ્ટી સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-12 સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
છત્રપતિ સંભાજીનગરમાં પણ નકલી દૂધ સામે કાર્યવાહી
બીજી તરફ, છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં પણ FDAએ નકલી દૂધ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફુલંબ્રી ખાતે આવેલી સિદ્ધેશ્વર મિલ્ક ડેરી પર દરોડો પાડી 496 કિલોગ્રામ ગોવર્ધન વ્હે પરમિયેટ પાઉડર અને મ્લેકપોલ વ્હે પરમિયેટ પાઉડરના આધારે તૈયાર કરવામાં આવતું ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી બાદ સંબંધિત બે સંસ્થાઓના ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. FDA દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








