Stock Market Crash: ટ્રમ્પના નિવેદન પછી શેરમાર્કેટ ધરાશાયી, સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'બ્લેક થર્સડે' સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે હજુ 2-3 અઠવાડિયા સુધી ઈરાનને હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું... તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે.
સેન્સેક્સમાં 1,500થી વધુનો ઘટાડો
BSE સેન્સેક્સમાં આજે 1,526 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ (Prev. Close): 73,134.32
આજની નીચી સપાટી (Low): 71,608.48
બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એક સમયે 71,600ની સપાટી પણ તોડી ચૂક્યો હતો.
નિફ્ટી-50 માં પણ 470 પોઈન્ટનું ગાબડું
NSE નિફ્ટી-50 પણ આજે 22,700 ની મહત્વની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. નિફ્ટીમાં 445 થી 470 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
જૂનો બંધ (Prev. Close): 22,679.40
આજની નીચી સપાટી (Low): 22,209.15
ટ્રમ્પે યુદ્ધ વિશે શું કહ્યું?
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન યુદ્ધ અંગે એક મોટું પગલું ભરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકન સૈન્ય તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાની નજીક છે. અમે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનવા દઈશું નહીં." તેમણે હોર્મુઝ સ્ટ્રેટ વિશે પણ કહ્યું, "અમે તે માર્ગે તેલ આયાત કરતા નથી. જે દેશો તે માર્ગે તેલ આયાત કરે છે તેઓએ આગળ વધવું જોઈએ અને હોર્મુઝનું રક્ષણ કરવું જોઈએ. અમેરિકા મદદ કરશે.
ઓઇલના ભાવમાં ઉછાળો
ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો, ગુરુવારે લગભગ 5 ટકાનો વધારો થયો અને પ્રતિ બેરલ $106 થી વધુ થઈ ગયો. ગઈકાલથી આજ સુધી કાચા તેલના ભાવ $8 વધીને આવ્યા છે.

