મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Kutch / લોડાઈ-ધ્રંગ વચ્ચે મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત, બાળક સહિત 3ના કરુણ મોત

ભુજ તાલુકાના લોડાઈ અને ધ્રંગ વચ્ચે મોડી રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા

ભુજ તાલુકાના લોડાઈ અને ધ્રંગ વચ્ચે મોડી રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક અને બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા પરિવારને નડેલા આ અકસ્માતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સામસામે બે બાઈકો વચ્ચે જોરદાર ટક્કર

પ્રાપ્ત વિગતો અનુસાર, શિવરાત્રિના પવિત્ર અવસરે લોડાઈ અને ધ્રંગ વચ્ચેના માર્ગ પર બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકોના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા અને તેના પર સવાર લોકો રોડ પર પટકાયા હતા.

ત્રણના ઘટનાસ્થળે મોત, મહિલા ગંભીર

આ કરુણ ઘટનામાં બે યુવાન અને એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ લોકોના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતમાં એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મેળાની ખુશીઓ શોકમાં ગરકાવ

જણાવવામાં આવી રહ્યું છે કે ભોગ બનનાર પરિવાર શિવરાત્રિ નિમિત્તે યોજાયેલા મેળામાં હરવા-ફરવા ગયો હતો. મોડી રાત્રે મેળાનો આનંદ માણીને ઘરે પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી જતાં આસપાસના લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો