મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા-ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સામે ખામેનેઈની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે શાબ્દિક યુદ્ધ

અમેરિકા-ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ, ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સામે ખામેનેઈની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધથી બચવા માટે પરમાણુ સમજૂતીની ઓફર કરી છે, સાથે ચેતવણી પણ આપી છે કે, જો 'ન્યુક્લિયર-ડીલ' નહીં થાય, તો અમેરિકા હુમલો કરશે. આના જવાબમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈએ આક્રમક રૂખ લેતાં સામી ચેતવણી આપી છે કે, 'જો અમેરિકા હુમલો કરશે તો એકલું ઈરાન જ નહીં સળગે પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ સળગી ઊઠશે.'

ટ્રમ્પ અને ખામેનેઈ આમને-સામને

ખામેનેઈની આ ચેતવણી સામે ટ્રમ્પે વળતા પ્રહારો કર્યા છે કે, જો ઈરાન 'ન્યુક્લિયર ડીલ' નહીં કરે તો, અમેરિકા હુમલો કરશે જ. તે સામે ખામેનેઈએ 31મી જાન્યુઆરીએ જ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે, ઈરાન મજબૂતીથી ઉભું છે અને ઉભું રહેશે જ.

ઓમાન દ્વારા યુદ્ધ રોકવાના પ્રયત્નો

બીજી તરફ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સી.એન.એન.ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બંને દેશો એક નિર્ણાયક વળાંક ઉપર આવ્યા છે. ટૂંક સમયમાં નિષ્પક્ષ 'ન્યૂક્લિયર ડીલ' થવા સંભવ છે, પરંતુ કોઈ તરફથી કોઈ ગફલત થશે કે આક્રમકતા થશે તો ઈરાન તે માટે તૈયાર જ છે. ઈરાન વાતચીતમાં સામેલ જ છે. ઓમાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થતું રોકવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. મોસ્કોમાં ઓમાન અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. તેમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલના મંત્રી અલિ લારીજાની પણ હાજર હતા.

બેમાંથી એક પણ જીદ છોડવા તૈયાર નથી

પ્રયત્નો તો થઈ જ રહ્યા છે કે, ઈરાન-અમેરિકા યુદ્ધ ટળે. પરંતુ મુખ્ય અવરોધ તે છે કે ન તો ખામેનેઈ કે ન તો ટ્રમ્પ, બેમાંથી એક પણ પોતાની જીદ છોડવા તૈયાર નથી. આવી સ્થિતિ જોતા બંને વચ્ચે સમાધાન થાય તેવી સંભાવના આ તબક્કે તો દેખાઈ રહી નથી. ભય તે છે કે તેલ પર તરતું મધ્યપૂર્વ ફરી ભડકે બળી ઉઠી શકે છે.

આ સમાચાર શેર કરો