'બે મહાન દેશો અંતે સમાધાન કરશે,', ભારત, ચીન અને રશિયાની SCOમાં એકતા જોઈ USના સૂર બદલાયા
ટેરિફ મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચીનમાં યોજાયેલી

ટેરિફ મુદ્દે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ ચીનમાં યોજાયેલી SCO સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચે એકતા જોવા મળી. જે બાદ હવે અચાનક અમેરિકાના સૂર બદલાવવા લાગ્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી એટલે કે નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતમાં બંને દેશો કોઈ સમાધાન કાઢી જ લેશે.
અંતે બંને દેશો એક થઈ જશે: સ્કોટ બેસેન્ટ
સ્કોટ બેસેન્ટે કહ્યું છે, કે ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ બંને સારા મિત્રો છે. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જ્યારે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા. મને લાગે છે કે અંતે તો બંને દેશો એક થઈ જશે.
SCO સમિટ માત્ર દેખાડો
SCO સમિટને લઈને સ્કોટ બેસેન્ટે કહ્યું કે આ તો જૂનું સંમેલન છે અને આ મોટા ભાગે માત્ર દેખાડો જ હોય છે. ભારત દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતી લોકશાહી છે, ભારતના મૂલ્યો રશિયા અને ચીનની સરખામણીએ અમેરિકા સાથે વધારે મેળ ખાય છે.
રશિયાના ઓઈલ મુદ્દે ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં બેસેન્ટે કહ્યું કે રશિયાથી ઓઈલ ખરીદી પછી તેને વેચવાનો ભારતનો નિર્ણય યોગ્ય નહોતો. આમ કરવાના કારણે યુક્રેન યુદ્ધમાં રશિયાને નાણાકીય મદદ મળી.
ટ્રમ્પે ગઈકાલે જ ભારત પર ટેરિફ મુદ્દે આપ્યું મોટું નિવેદન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકયો છે. પહેલા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો શ્રેય લેવા પ્રયાસ કર્યા, પછી ટ્રેડ ડીલ મુદ્દે પણ તણાવ થતાં બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. એવામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પર આકરા પ્રહાર કર્યા છે. આટલું જ નહીં ટ્રમ્પનો દાવો છે કે ભારતે ટેરિફ ઘટાડવાની ઓફર આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી ભારત પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, કે 'અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો બિઝનેસ કરે છે પરંતુ ભારત આપણી સાથે મોટા પ્રમાણમાં બિઝનેસ કરે છે. બીજા શબ્દોમાં કહું તો ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સામાન વેચે છે, આપણે તેમના સૌથી મોટા ગ્રાહક છીએ પણ આપણે ત્યાં ખૂબ ઓછો સામાન વેચીએ છીએ. છેલ્લા ઘણા દાયકાઓથી આ એકતરફી સંબંધો ચાલી રહ્યા હતા.'








