ઓઈલ માર્કેટમાં ભંગાણ: UAEએ 59 વર્ષ જૂનું OPEC સંગઠન છોડ્યું, ઈરાન સંકટ વચ્ચે થશે ભારતને ફાયદો!
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અ

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ OPEC અને OPEC પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ 1 મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જોકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામ-સામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.
સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, યુએઈ 1967થી OPEC અનેOPEC પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે.
OPEC અને OPEC પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજીબાજુ યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બૈરલની છે તથા યુએઈનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે. આ સિવાય ઓપેક માત્ર ડોલરમાં જ ઓઈલના સોદા કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર થઈ શકે છે. યુએઈએ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.
OPECની એકતા નબળી પડવાથી ટ્રમ્પ કેવી રીતે મજબૂત બનશે?
ટ્રમ્પ લાંબા સમયથી OPEC ના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે સંગઠન પર તેલ બજારોમાં ચાલાકી કરીને ઇરાદાપૂર્વક ભાવ ઊંચા રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વારંવાર દલીલ કરી છે કે, ભાવ વધારીને, આ જૂથ "બાકીના વિશ્વને લૂંટી રહ્યું છે." UAE નું પાછું ખેંચાવાથી બ્લોકની અંદરના આંતરિક મતભેદો ઉજાગર કરીને આ દ્રષ્ટિકોણને સીધો મજબૂત બનાવશે.
ઉત્પાદન ક્વોટા અને ભૂ-રાજકીય તણાવ અંગે મતભેદો હોવા છતાં, OPEC પરંપરાગત રીતે એકતા દર્શાવી છે. UAE જેવા મુખ્ય સભ્યનું પ્રસ્થાન આ છબીને કલંકિત કરશે અને બ્લોકની સંકલિત રીતે કાર્ય કરવાની ક્ષમતા પર શંકા પેદા કરશે.ટ્રમ્પ માટે, આ તેમના દૃષ્ટિકોણના સમર્થન તરીકે કામ કરે છે. વિભાજિત OPEC કિંમતોને ઉપર લઈ જતા પુરવઠા ઘટાડાને સંકલન કરવામાં ઓછું સક્ષમ હશે. આ વૈશ્વિક ઊર્જા ભાવોને નિયંત્રણમાં રાખવાના ટ્રમ્પના વ્યાપક ઉદ્દેશ્ય સાથે સુસંગત છે.
પ્રાદેશિક પ્રભુત્વ માટે સાઉદી અને યુએઈ વચ્ચે સૈન્ય સંઘર્ષ
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.








