Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : UAE takes historic decision to leave OPEC amid Hormuz crisis

હોર્મુઝ સંકટ વચ્ચે UAEએ લીધો OPEC છોડવાનો ઐતિહાસિક નિર્ણય, આપ્યો મોટો આંચકો!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ સંકટ વચ્ચે UAEએ લીધો OPEC છોડવાનો ઐતિહાસિક નિર્ણય, આપ્યો મોટો આંચકો!
સોર્સ : GSTV

તેલ ઉત્પાદક દેશોના શક્તિશાળી જૂથ ઓપેક (OPEC) અને ઓપેક+ માટે એક મોટા આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે આ સંગઠનમાંથી બહાર નીકળી રહ્યું છે. યુએઈની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય 1 મેથી અમલમાં આવશે.

App Store

યુએઈના ઉર્જા મંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, ઉર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર તેમજ અન્ય વ્યૂહાત્મક પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુએઈ લાંબા સમયથી ઓપેકનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યની વૈશ્વિક ઉર્જા જરૂરિયાતો અને વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નીતિવિષયક નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે.

હોર્મુઝની કટોકટી અને બજાર પર અસર

હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝમાં અવરોધો ઉભા થયા છે. આ એક એવો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જ્યાંથી વિશ્વના કુલ કાચા તેલ અને એલએનજી (LNG) નો આશરે પાંચમો ભાગ પસાર થાય છે. ઉર્જા મંત્રીએ સ્વીકાર્યું કે આ અવરોધોને કારણે તેલ બજાર પહેલેથી જ અસ્થિર છે. યુએઈએ અત્યારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે બજાર પર તેની બહુ મોટી અસર ન પડે અને સ્થિરતા જળવાઈ રહે.

સાઉદી અરબ માટે મોટો આંચકો અને ઓપેકમાં ભંગાણ

યુએઈનું ઓપેક છોડવું એ સંગઠનના અઘોષિત નેતા એવા સાઉદી અરબ માટે એક બહુ મોટો આંચકો માનવામાં આવે છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે પેદા થયેલી ઉર્જા કટોકટી અને વૈશ્વિક અર્થતંત્રમાં વધેલી અસ્થિરતા વચ્ચે આ નિર્ણય ઓપેકની અંદર ચાલી રહેલા મતભેદોને સપાટી પર લાવી દીધા છે. ઓપેક સભ્યોમાં કોટા અને ઉત્પાદન મર્યાદા જેવા મુદ્દાઓ પર અંદરખાને ઘણા સમયથી અસંતોષ હતો. યુએઈ જેવા જૂના અને મહત્વપૂર્ણ સભ્યનું આ રીતે અલગ થવું સંગઠનની તાકાતને નબળી પાડી શકે છે અને તેની એકતા પર સવાલો ઉભા કરી શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી જીત?

બીજી તરફ, યુએઈના આ પગલાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક પર તેલના ભાવ કૃત્રિમ રીતે વધારીને વિશ્વનું શોષણ કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. તેમણે અમેરિકા દ્વારા ખાડી દેશોને આપવામાં આવતા લશ્કરી સમર્થનને પણ તેલના ભાવ સાથે જોડ્યું છે. 

અરબ દેશો વચ્ચેનો વધતો તણાવ

યુએઈનો આ નિર્ણય માત્ર ઉર્જા બજાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ ઊંડા ભૌગોલિક-રાજકીય કારણો પણ છે. અમેરિકાના મહત્વના સહયોગી એવા યુએઈએ તાજેતરમાં અન્ય અરબ દેશોની આકરી ટીકા કરી છે. યુએઈનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન તેના પર થયેલા ઈરાની હુમલાઓથી બચાવવા માટે સાથી અરબ દેશોએ પૂરતા પગલાં લીધા નથી. આ તમામ ઘટનાક્રમ સૂચવે છે કે મધ્ય પૂર્વમાં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે અને યુએઈ હવે પોતાની સ્વતંત્ર રાહ કંડારવા તૈયાર છે.