દેખાવોમાં લૂંટફાટ કરશે તો માતા-પિતા ભરશે દંડ, 5 વર્ષની જેલ

ઈટાલીની સરકારે પ્રદર્શનો દરમિયાન થતી હિંસા અને લૂંટફાટ પર અંકુશ મેળવવા માટે સુરક્ષાને લગતા કેટલાક કડક નિર્ણયોને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં ઉત્તરી ઈટાલીના કેટલાક શહેરોમાં થયેલી હિંસા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં મિલાન જેવા મોટા શહેરો પણ સામેલ છે. અહીં યુવાનોના જૂથોએ દુકાનોના કાચ તોડીને લૂંટફાટ ચલાવી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ નવા કાયદાઓ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
સગીરોના ગુના માટે માતા-પિતા જવાબદાર
આ નવા કાયદા હેઠળ જો કોઈ સગીર તોડફોડ કે લૂંટફાટમાં સામેલ હશે, તો તેના માતા-પિતાને આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે. આ ઉપરાંત, 14થી 17 વર્ષની વયના એવા યુવાનો કે જેમણે કોઈ ગુનો કર્યો નથી પરંતુ તેમના તરફથી જોખમ હોવાના પુરાવા છે, તેમને પણ પોલીસ કસ્ટડીમાં લઈ શકાશે. અગાઉ આ નિયમ માત્ર પુખ્ત વયના લોકો માટે જ લાગુ પડતો હતો. પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરનારને 5 વર્ષ સુધીની જેલ અને 20 હજાર યુરો સુધીનો દંડ થઈ શકે છે.
હિંસા રોકવા માટે સેના તૈનાત કરવામાં આવશે
પીએમ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યુંછે કે તોડફોડ અને ચોરી એ કોઈ ક્રાંતિકારી કાર્ય નથી, પરંતુ તે એક ગંભીર અપરાધ છે. આગામી સમયમાં થનારા પ્રદર્શનોમાં હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા મિલાન શહેરમાં વર્ષ 2026ના અંત સુધીમાં પોલીસની સાથે 500 સૈનિકોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૈન્ય દ્વારા મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવશે.










