ટ્રમ્પની ઈરાનને ધમકી ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું!

જ્યારે વિશ્વને એમ લાગતું હતું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ધીમે ધીમે વિખેરાઈ રહ્યા છે, બરાબર ત્યારે જ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ તરફથી અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવવાનો કડક આદેશ છૂટ્યો, તેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જવાબ આપી દીધો છે.
Advertisement
‘માત્ર 10 મિનિટનું કામ’: ટ્રમ્પના નિશાના પર હજુ પણ બે અડ્ડા
ફ્લોરિડા સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતા અને તેના પરમાણુ પ્રોગ્રામને પહેલેથી જ અત્યંત નબળો પાડી દીધો છે. પરંતુ કામ હજી પૂરું થયું નથી. ટ્રમ્પના મતે, ઈરાનમાં હજુ પણ 1થી 2 એવા ચોક્કસ સ્થળો છે જેને અમેરિકાએ 'સાફ' કરવાના બાકી છે. ટ્રમ્પે કહ્યું કે, અમે તેમની પરમાણુ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી છે. મારે કહેવું પડે કે અમારે હજુ પણ 1 કે 2 સાઇટ્સ પર કાર્યવાહી કરવાની બાકી છે, પરંતુ અમે તે કામ માત્ર 10 મિનિટમાં પૂરું કરી શકીએ છીએ.
પિકએક્સ માઉન્ટેન: ગુપ્ત ભૂગર્ભ ન્યુક્લિયર સંકુલ
ટ્રમ્પે પોતાના નિવેદનમાં ખાસ કરીને 'પિકએક્સ માઉન્ટેન'નો ઉલ્લેખ કર્યો હતો. આ સ્થળ ઈરાનના જાણીતા નતાન્ઝ પરમાણુ મથક નજીક આવેલું એક શંકાસ્પદ ભૂગર્ભ ન્યુક્લિયર કોમ્પ્લેક્સ છે. જમીનથી સેંકડો ફૂટ ઊંડે પહાડોની નીચે બનેલું આ ફેસિલિટી સેન્ટર ઈરાનના સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ મથકોમાંનું એક મનાય છે. ટ્રમ્પનું સીધું નામ લઈને કહેવું કે અમેરિકાએ "તેની કાળજી લેવી પડશે" એ સાબિત કરે છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઈરાનના સૌથી ઊંડા ભૂગર્ભ બંકરો સુધી પહોંચવાની રણનીતિ ઘડી ચૂકી છે.
મોજતબા ખામેનેઈનો કડક સંદેશ: ભૌગોલિક સીમા વગરનો વળતો પ્રહાર
ટ્રમ્પના નિવેદન પહેલાં, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ એક લેખિત સંદેશ દ્વારા અમેરિકા અને ઈઝરાયલને આકરી ચેતવણી આપી હતી. ખામેનેઈએ જણાવ્યું હતું કે જો દુશ્મનોએ લશ્કરી કે આતંકવાદી હુમલા ફરી શરૂ કર્યા, તો નવો સંઘર્ષ ક્યારે અને કઈ શરતો પર સમાપ્ત થશે તે માત્ર ઈરાન જ નક્કી કરશે. દુશ્મનના કોઈપણ ખતરા સામે તાત્કાલિક, અસરકારક અને 'ભૌગોલિક સીમાઓથી મુક્ત' વળતો જવાબ આપવો. ટાર્ગેટ લિસ્ટને તાત્કાલિક અપડેટ કરવું, જેથી અમેરિકા અને ઈઝરાયલની તમામ મૂર્ત અને અમૂર્ત સંપત્તિઓ ઈરાનના હુમલાની પહોંચમાં આવી જાય.આ આદેશ એ વાતની સાબિતી છે કે ઈરાન હવે માત્ર પોતાના પ્રદેશ પૂરતું સીમિત ન રહેતાં વિશ્વમાં ગમે ત્યાં રહેલા પશ્ચિમી મથકોને નિશાન બનાવવાની માનસિકતા ધરાવે છે.
અમેરિકામાં ચૂંટણી પૂર્ણ તહતા જ બીજા તબક્કાના હુમલાની શક્યતા?
આ ઘટનાક્રમ વચ્ચે સૌથી મોટો રાજકીય ઘટસ્ફોટ મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યો છે. 'MS NOW'ના એક અહેવાલ મુજબ, ટ્રમ્પ સરકાર ૩ નવેમ્બરની યુએસ મિડટર્મ ચૂંટણીના બીજા જ દિવસે ઈરાન પર ફરીથી હવાઈ હુમલા શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. જો આ રિપોર્ટ સાચો સાબિત થાય, તો ચૂંટણી પૂર્ણ થતાં જ બંને દેશો વચ્ચે યુદ્ધનો બીજો ભીષણ તબક્કો શરૂ થઈ શકે છે. ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ થવાની આ અટકળોને વધુ વેગ આપ્યો છે.










