લાખો ખર્ચીને નીકળ્યા વિશ્વયાત્રાએ, પણ કંબોડિયામાં સર્જાયું દુઃસ્વપ્ન! 200 મુસાફરોની દર્દનાક કહાની

વિશ્વના સાતેય મહાદ્વીપોની ત્રણ વર્ષની સફર કરવાનું સપનું લઈને નીકળેલા 200 મુસાફરો અચાનક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લક્ઝરી ક્રૂઝ 'MV Odyssey' ઇંધણના વધતા ભાવને કારણે કંબોડિયાના બંદરે અટવાઈ ગયું છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે ક્રૂઝ કંપની પાસે જહાજ ચલાવવા માટે ઇંધણનો ખર્ચ ચૂકવવાના પણ પૈસા નથી. મુસાફરોને અધવચ્ચે જ જહાજ છોડવાની ફરજ પડી છે અને તેમના રહેવા માટેની વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.
કંબોડિયાના બંદરે અટવાયું લક્ઝરી ક્રૂઝ
'MV Odyssey' નામનું લક્ઝરી ક્રૂઝ હાલમાં કંબોડિયાના સિહાનોકવિલે (Sihanoukville) પોર્ટ પર ઊભું છે. આ જહાજ ચાર મહિનાના વિલંબ બાદ ઓક્ટોબર 2024માં પોતાની વિશ્વયાત્રા પર નીકળ્યું હતું. મુસાફરોને સાતેય મહાદ્વીપોની સફર કરાવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ઇંધણના વધતા ખર્ચે આ યાત્રા પર બ્રેક લગાવી દીધી છે.
આ જહાજનું સંચાલન ફ્લોરિડાની કંપની 'Villa Vie Residences' દ્વારા કરવામાં આવે છે. જહાજમાં લાંબા સમય સુધી રહેવા માટે ખાસ સ્યૂટ (Suites) ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેની કિંમત 1.30 લાખ ડોલરથી શરૂ થતી હતી. એટલે કે મુસાફરોએ આ અનોખી સફર માટે મોટી રકમ ખર્ચી હતી.
ઇંધણનો ખર્ચ ચાર ગણાથી પણ વધુ વધ્યો
કંપનીના જણાવ્યા અનુસાર, ઈરાનમાં યુદ્ધ શરૂ થયા બાદ ઇંધણના ભાવમાં ભારે વધારો થયો છે. તેના કારણે જહાજ ચલાવવાનો ખર્ચ કંપની માટે મુશ્કેલ બની ગયો છે.
અહેવાલ મુજબ, અગાઉ દરેક કેબિન માટે ઇંધણનો માસિક ખર્ચ આશરે 1,800 ડોલર હતો. પરંતુ હવે એશિયાના કેટલાક વિસ્તારોમાં આ ખર્ચ વધીને 8,000 ડોલર સુધી પહોંચી ગયો છે. આટલા મોટા વધારાને કારણે કંપનીએ જહાજની સફર અધવચ્ચે રોકવી પડી છે.
200 મુસાફરોની મુશ્કેલી વધી
જહાજમાં ફસાયેલા આશરે 200 મુસાફરો માટે હવે સૌથી મોટી સમસ્યા રહેવાની વ્યવસ્થાની છે. મુસાફરોમાં એક કેન્સરના દર્દીનો પણ સમાવેશ થાય છે. તેમના જણાવ્યા અનુસાર, જહાજ છોડવાની ફરજ પડ્યા બાદ કંપનીએ મુસાફરોને રહેવા માટે યોગ્ય જગ્યા શોધવામાં બહુ ઓછી મદદ કરી હતી.
કંપનીએ જહાજ અને શહેર વચ્ચે શટલ સેવાની વ્યવસ્થા કરી છે, કારણ કે મુસાફરોને કાર્ગો પોર્ટ પરથી ચાલીને બહાર જવાની મંજૂરી નથી. જોકે, મુસાફરોને રોકાવા માટે હોટેલોની યાદી પણ આપવામાં આવી નથી.
મોંઘી ટિકિટ છતાં મુસાફરો અધવચ્ચે અટવાયા
ત્રણ વર્ષની વિશ્વયાત્રાનું સપનું લઈને નીકળેલા મુસાફરો માટે આ સ્થિતિ મોટો આંચકો છે. લાખો રૂપિયા ખર્ચીને જહાજમાં રહેવાની વ્યવસ્થા કરાવ્યા બાદ હવે તેમને અજાણ્યા દેશમાં રહેવાની વ્યવસ્થા જાતે કરવી પડી રહી છે.
ઇંધણના ભાવમાં થયેલા વધારાની અસર માત્ર પરિવહન ક્ષેત્ર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે લક્ઝરી પ્રવાસન ઉદ્યોગને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે. 'MV Odyssey'નો આ કિસ્સો તેનો મોટો દાખલો બની રહ્યો છે.












