મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ અમેરિકી-ઈરાની ડેલિગેશન શું પાકિસ્તાનમાં સુરક્ષિત છે? તેહરનથી વોશિંગ્ટન સુધી છે ચિંતા

ઇસ્લામાબાદ: મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે

ઇસ્લામાબાદ: મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી રહ્યું છે, પરંતુ સૌથી મોટો પડકાર રાજદ્વારી વ્યૂહરચના નહીં પણ 'સુરક્ષા' છે. ઇસ્લામાબાદમાં 11 એપ્રિલે યોજાનારી અમેરિકા અને ઈરાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ બેઠક માટે જેડી વેન્સ અને જેરેડ કુશ્નર જેવા દિગ્ગજો આવવાના છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ સવાલ ગુંજી રહ્યો છે - "શું પાકિસ્તાન આ મહેમાનોને સુરક્ષા આપવા સક્ષમ છે?"

રક્તરંજીત ઇતિહાસ અને સુરક્ષા પર સવાલ

પાકિસ્તાનમાં વિદેશી પ્રતિનિધિઓ અને સુરક્ષિત ગણાતા સ્થળો પર હુમલાનો ઇતિહાસ ઘણો ભયાનક રહ્યો છે. આ કાળો ઇતિહાસ જ આજે અમેરિકા અને ઈરાનની ચિંતાનું મુખ્ય કારણ છે:

  • 2009નો શ્રીલંકન ટીમ પર હુમલો: લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર થયેલા આતંકી હુમલાએ સાબિત કર્યું હતું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મહેમાનોને સુરક્ષા આપવામાં નિષ્ફળ છે.

  • સૈન્ય મથકો પણ અસુરક્ષિત: પાકિસ્તાની સેનાના મુખ્યાલય (GHQ) રાઈલપિંડી અને પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ભીષણ હુમલા દર્શાવે છે કે આતંકીઓ ગમે ત્યાં ઘૂસી શકે છે.

  • રાજદ્વારીઓ પર હુમલા: 1995માં બે અમેરિકી રાજદ્વારીઓની હત્યા કરવામાં આવી હતી. અને 2002માં ઇસ્લામાબાદના ચર્ચ પર થયેલા હુમલામાં અમેરિકી નાગરિકોના મોત હજુ પણ વોશિંગ્ટનની યાદમાં તાજા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન નંબર-1

વર્ષ 2025ના આંકડા મુજબ, પાકિસ્તાન ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, જ્યાં એક વર્ષમાં 1139થી વધુ લોકોએ આતંકવાદને કારણે જીવ ગુમાવ્યા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને લશ્કર-એ-ઝંગવી જેવા સંગઠનો અત્યારે પણ સક્રિય છે અને હાઈ-પ્રોફાઈલ નિશાન શોધી રહ્યા છે.

ઇસ્લામાબાદમાં કિલ્લાબંધી

આગામી બેઠકને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે:

  • ઇસ્લામાબાદમાં રજા: સુરક્ષાના કારણોસર શહેરમાં બે દિવસની 'લોકલ હોલિડે' જાહેર કરવામાં આવી છે.

  • આર્મીની તૈનાતી: જે વિસ્તારમાં બેઠક યોજાવાની છે ત્યાં પાકિસ્તાની આર્મીના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

  • અમેરિકી સુરક્ષા ટીમ: અમેરિકાની 30 સભ્યોની એડવાન્સ સિક્યુરિટી ટીમે પહેલેથી જ ઇસ્લામાબાદમાં ધામા નાખ્યા છે અને તેઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.

પાકિસ્તાનની પ્રતિષ્ઠા દાવ પર

એક તરફ પાકિસ્તાન મધ્યસ્થી બનીને પોતાની વૈશ્વિક છબી સુધારવા માંગે છે, તો બીજી તરફ આતંકવાદનું જોખમ તેની ગરદન પર તલવારની જેમ લટકી રહ્યું છે. જો આ બેઠક દરમિયાન કોઈ નાની પણ સુરક્ષા ચૂક થશે, તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણપણે એકલું પડી જશે.

આ સમાચાર શેર કરો