ઇરાનના પરમાણુ ઉર્જા સંગઠનનો મોટો આરોપ,અમેરિકાએ હુમલો કરી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું
America Strikes In Iran: ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન

America Strikes In Iran: ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન (AEOI) એ પુષ્ટિ કરી છે કે, દુશ્મનોએ દેશમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો છે. સંગઠને આ હમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી (IAEA) પર ઉદાસીનતા અને સંડોવણીનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'આ હુમલાઓ પરમાણુ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે જવાબદાર સંગઠનની દેખરેખ હેઠળ થયા છે.' ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ હુમલાઓની સખત નિંદા કરવા અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ કિંમતે પરમાણુ કાર્યક્રમના વિકાસને રોકવા દેશે નહીં.
હુમલા બાદ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કર્યા
અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખુલ્લેઆમ જોડાઈ ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે અને હુમલો કર્યા બાદ તમામ વિમાનો સુરક્ષિત પાછા ફરી ગયા છે.' આ હુમલા બાદ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કર્યો હતો.
ટ્રમ્પે સંબોધનમાં આપી ધમકી
ઈરાન પર હવાઈ હુમલા બાદ રાષ્ટ્રને સંબોધતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની પરમાણુ સંવર્ધન ક્ષમતાનો નાશ કરવાનો અને તેના પરમાણુ ખતરાને કાયમ માટે નાબૂદ કરવાનો છે. છેલ્લા 40 વર્ષથી ઈરાન અમેરિકા વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને ઘણાં અમેરિકનો આ નફરતનો ભોગ બન્યા છે, તેથી મેં નક્કી કર્યું છે કે આ બધું હવે બંધ કરી દઈશ.'
અમેરિકાએ B2 બોમ્બર દ્વારા ઈરાન પર હવાઈ હુમલો
એવું કહેવાય છે અમેરિકાની વાયુસેનાએ B2 બોમ્બર સાથે ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા હતા. આ હવાઈ હુમલા પછી, અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઇ એલર્ટ જારી કર્યું છે. હવે સ્થાનિક સમય મુજબ, ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ, તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે થશે.








