New York: મેનહટન વિસ્તારની જાણીતી ઈમારતમાં ઘૂસીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 5થી વધુના મોત
ન્યૂ યોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં સોમવારે સાંજે ભીષણ ગોળીબારની ઘટના બની હતી.

ન્યૂ યોર્ક શહેરના મેનહટન વિસ્તારમાં સોમવારે સાંજે ભીષણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં ન્યુ યોર્ક પોલીસ અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 44 માળની ઓફિસ બિલ્ડિંગમાં બની હતી, જ્યાં બ્લેકસ્ટોન અને NFLનું હેડક્વાર્ટર આવેલું છે
પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય શેન તામુરા નામનો એક વ્યક્તિ સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઇમારતમાં ઘૂસી ગયો અને રાઇફલથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. બંદૂકધારી નેવાડાના લાસ વેગાસનો રહેવાસી હોવાનું કહેવાય છે.
ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ (FDNY) એ માહિતી આપી કે તેમને સોમવારે સાંજે પાર્ક એવન્યુમાં આવેલી બિલ્ડિંગમાંથી ફોન આવ્યો હતો કે કોઈને ગોળી વાગી છે. જોકે, વિભાગના પ્રવક્તાએ વધુ માહિતી આપી ન હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મેયર એડમ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, "ન્યૂ યોર્કવાસીઓ: હાલમાં મિડટાઉનમાં સક્રિય ગોળીબારની તપાસ ચાલી રહી છે. કૃપા કરીને યોગ્ય સલામતી સાવચેતી રાખો અને જો તમે આ વિસ્તારમાં હોવ તો બહાર ન નીકળો." જોકે, આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળીબાર કરનાર વ્યક્તિએ પોતાને ગોળી મારી લીધી.
આ ઘટના બાદ એફબીઆઈ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટર ડેન બોન્ઝિનોએ એક્સ પર જણાવ્યું હતું કે તેમની ટીમ સક્રિય ગુનાના સ્થળે સહાય પૂરી પાડી રહી છે. હાલમાં, પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીનો હેતુ શું હતો અને તે એકલો હતો કે કોઈ નેટવર્ક સાથે જોડાયેલો હતો.








