મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા કંઈક મોટું કરવાની તૈયારીમાં!, Trumpના વાયરલ ફોટોગ્રાફથી વિશ્વમાં ખળભળાટ

અમેરિકન મીડિયાએ મધ્ય-પૂર્વની સ્થિતિને લઈને એવો દાવો કર્યો છે, જેનાથી વિશ્વ

અમેરિકા કંઈક મોટું કરવાની તૈયારીમાં!, Trumpના વાયરલ ફોટોગ્રાફથી વિશ્વમાં ખળભળાટ
આ સમાચાર સાંભળો

અમેરિકન મીડિયાએ મધ્ય-પૂર્વની સ્થિતિને લઈને એવો દાવો કર્યો છે, જેનાથી વિશ્વભરનું ફરી ટેન્શન વધી ગયું છે. દાવા મુજબ, જો અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ જશે તો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ફરી હુમલા કરી શકે છે. એટલું જ નહીં, ટ્રમ્પે ઈરાનને ઝડપથી સમજૂતી કરવાની ધમકી પણ આપી દીધી છે. 

ઈરાન ટ્રમ્પની વાત નહીં માને તો...

અમેરિકન મીડિયાનું કહેવું છે કે, જો ઈરાન ટ્રમ્પની વાત નહીં માને, અમેરિકાની શરતો નહીં સ્વિકારે તો આવનારા દિવસોમાં વિસ્ફોટ સ્થિતિ ઉભી થઈ શકે છે. એટલે કે જે યુદ્ધ પર હાલ બ્રેક લાગી છે, તે ફરી ભડકી શકે છે. વાસ્તવમાં, બંને દેશો વચ્ચેની મડાગાંઠ ઈરાનની એ 5 શરતો પર આવીને અટકી છે, જેને સ્વીકારવામાં અમેરિકા ખચકાઈ રહ્યું છે.

ટ્રમ્પની તસવીરથી મહાયુદ્ધના ભણકારા

આ મહાયુદ્ધના ભણકારાને ખુદ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે હવા આપી છે. તેમણે એક AI તસવીર શેર કરી છે, જેમાં તેઓ 'મેક અમેરિકા ગ્રેટ અગેન' લખેલી લાલ ટોપી પહેરીને એક અમેરિકી નૌસેનાના અધિકારી સાથે યુદ્ધજહાજ પર ઉભેલા દેખાયા હતા. પાછળ સમુદ્રમાં તણાવભર્યો માહોલ અને ઈરાની જહાજો નજરે પડતા હતા. આ તસવીર સાથે ટ્રમ્પે લખ્યું, ‘વાવાઝોડા પહેલાની શાંતિ’. આ પછી એવી ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું અમેરિકા કોઈ મોટા એક્શનની તૈયારી કરી રહ્યું છે.

ટ્રમ્પની ઈરાનને ધમકી

બીજી તરફ, ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઈરાન ટૂંક સમયમાં સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો તેણે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચોક્કસ ચાલી રહી છે, પરંતુ વિશ્વાસનો અભાવ હજુ પણ સૌથી મોટી દીવાલ બનેલો છે. તેમણે સોશિયલ મીડિયા ટ્રૂથ પર લખ્યું છે કે, ‘ઈરાન માટે સમય વીતી રહ્યો છે અને તેઓ ઝડપથી આગળ વધે તો સારું રહેશે, નહિતર તેમનું કંઈ જ બાકી નહીં રહે. સમય ખૂબ જ કિંમતી છે! રાષ્ટ્રપતિ DJT’

હવે મહાયુદ્ધ થશે ?

ન્યૂયોર્ક ટાઈમ્સના દાવા મુજબ, વ્હાઈટ હાઉસ અને અમેરિકી સેનાની અંદર ઈરાનને લઈને ઘણા વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક પ્લાન ઈરાનના સૈન્ય મથકો અને મહત્વના માળખા પર મોટા હવાઈ હુમલાનો છે. જ્યારે બીજો વિકલ્પ વધુ મોટો અને ખતરનાક માનવામાં આવી રહ્યો છે, જેમાં ઈરાનના યુરેનિયમ સ્ટોરેજ સેન્ટરને નિશાન બનાવી શકાય છે.

ઈરાને પણ અમેરિકાને આપી ચેતવણી

જો કે, ઈરાને પણ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કડક ચેતવણી આપી છે. ઈરાનનું કહેવું છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તેનું સમર્થન કરનારા દેશોએ પણ તેના પરિણામોની જવાબદારી ઉઠાવવી પડશે. આ સાથે એવા પણ અહેવાલો છે કે અમેરિકા મિડિલ ઈસ્ટમાં પોતાના સૈનિકો અને સૈન્ય સામગ્રીની તૈનાતીને લઈને નવી તૈયારીઓ કરી રહ્યું છે.

અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ

અમેરિકાની 5 શરતો

  1. અમેરિકા કોઈપણ પ્રકારનું વળતર કે નુકસાન ભરપાઈ નહીં કરે
  2. ઈરાને પોતાનું 400 કિલો એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવું પડશે
  3. ઈરાનનું માત્ર એક જ પરમાણુ મથક એક્ટિવ રહેશે
  4. ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે નહીં
  5. તમામ મોરચે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરવી પડશે

ઈરાનની 5 શરતો

  1. તમામ મોરચે યુદ્ધનો અંત આવવો જોઈએ, ખાસ કરીને લેબનાનમાં
  2. ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા પડશે
  3. ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવી પડશે
  4. યુદ્ધથી થયેલા નુકસાન માટે વળતર આપવું પડશે
  5. હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના સાર્વભૌમત્વને માન્યતા આપવી પડશે

અમેરિકા-ઈરાન જીદે ચડ્યા

અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી વિવાદ ચાલુ છે. યુદ્ધને 3 મહિના થવા આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ વાત બની શકી નથી. અમેરિકા અને ઈરાન, બંને પોતાની જીદ પર અડેલા છે. ઈરાન પોતાની માંગણીઓ રાખે છે તો અમેરિકા પણ પોતાની શરતો ઉમેરી દે છે. બંને વચ્ચે વાતચીત ભલે થઈ રહી હોય પરંતુ એકબીજા પર વિશ્વાસ કોઈ કરતું નથી.

આ સમાચાર શેર કરો